કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓ માટે કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાનો
ગુજરાત કોંગ્રેસ દ્વારા જુનાગઢમાં નવનિયુક્ત પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ શિબિરમાં હાજરી આપવા માટે 12 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાત લેશે. તેઓ બપોરે 1 વાગ્યે કેશોદ એરપોર્ટ પર ઉતરીને સીધા જુનાગઢના ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમમાં જશે, જ્યાં તેઓ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપશે.રાહુલ ગાંધીની આ મુલાકાત ગુજરાત કોંગ્રેસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેઓ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપીને 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફૂંકશે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓ માટે કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાનો અને કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરવાનો છે.કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન હેઠળ જુનાગઢમાં 10 થી 19 સપ્ટેમ્બર સુધી 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં નવનિયુક્ત પ્રમુખોને નેતાગીરીના પાઠ શિખવાડવામાં આવશે.
રાહુલ ગાંધી અગાઉ પણ આવા પ્રશિક્ષણ શિબિરોમાં હાજરી આપી ચૂક્યા છે. આ તાલીમ શિબિર પૂર્ણ થયા બાદ તેઓ સાંજે પોરબંદરથી દિલ્હી જવા રવાના થશે.રાહુલ ગાંધીની આ મુલાકાતથી કોંગ્રેસના કાર્યકરોમાં નવો જોમ આવશે અને આગામી ચૂંટણીઓ માટેની તૈયારીઓને વેગ મળશે તેવી અપેક્ષા છે. આ વર્ષે આ ગુજરાતમાં યોજાયેલી કોંગ્રેસની બીજી પ્રશિક્ષણ શિબિર છે. અગાઉ, જુલાઈ મહિનામાં આણંદમાં પણ આવી જ એક શિબિર યોજાઈ હતી.