ટીમ ઈન્ડિયાએ એશિયા કપમાં પોતાના અભિયાનનો અંત જીત સાથે કર્યો હતો. તેઓએ ગુરુવારે અફઘાનિસ્તાન સામે સુપર-4 રાઉન્ડની તેમની છેલ્લી મેચ 101 રનના વિશાળ અંતરથી જીતી હતી. દુબઈમાં આ મેચ દરમિયાન ચાહકોમાં જોરદાર ભાઈચારો જોવા મળ્યો હતો. સ્ટેડિયમમાં હાજર વિરોધી ટીમોના પ્રશંસકોએ એકબીજાને ગળે લગાવ્યા, જેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
ભારતે 101 રનથી જીત મેળવી હતી
ગુરૂવારે રાત્રે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાન પર 101 રનના માર્જીનથી જીત મેળવી હતી. રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલે ટીમ ઈન્ડિયાની કપ્તાની સંભાળી હતી. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના અણનમ 122 રનની મદદથી ભારતે બે વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ ઈબ્રાહિમ ઝદરાન (64*)ની અણનમ અડધી સદી છતાં 8 વિકેટે 111 રન બનાવી શકી હતી. ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે 5 વિકેટ લીધી હતી. 61 બોલમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારનાર વિરાટને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
સ્ટેડિયમમાં ભાઈચારો બતાવવામાં આવ્યો
ભારત અને અફઘાનિસ્તાન પાડોશી દેશો છે. દુબઈમાં રમાયેલી આ મેચ દરમિયાન બંને દેશના ક્રિકેટ ચાહકો વચ્ચે જોરદાર મિત્રતા જોવા મળી હતી. સ્ટેડિયમમાં મેચ દરમિયાન અફઘાનિસ્તાન ટીમના સમર્થકો ભારતીય પ્રશંસકોને ગળે લગાવતા જોવા મળ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો શેર કરતી વખતે એક યુઝરે લખ્યું, ‘ભાઈચારાની ઉદાહરણ.
આ પહેલા એશિયા કપમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન સ્ટેડિયમમાં ચાહકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એટલું જ નહીં સુપર-4 રાઉન્ડની તે મેચ બાદ બંને પડોશી દેશોના ચાહકો મેદાનની બહાર પણ સામસામે આવી ગયા હતા. ગયા વર્ષે T20 વર્લ્ડ કપ અને 2019 ODI વર્લ્ડ કપ દરમિયાન આ દેશોના ક્રિકેટ ચાહકો વચ્ચે ઘર્ષણ થયું હતું.