રોહિત શર્માનું કમબેક: વન-ડે શ્રેણી માટે તૈયારીઓ શરૂ
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને વન-ડે ક્રિકેટમાંથી તેમની નિવૃત્તિ અંગે ચાલી રહેલી તમામ અફવાઓનો અંત લાવી દીધો છે. આ વીડિયોએ કરોડો ભારતીય ક્રિકેટ ચાહકોને રાહત આપી છે, જેઓ ઘણા સમયથી તેમના પ્રિય કેપ્ટનને ફરીથી મેદાન પર જોવા માટે આતુર હતા.
ભારત હાલમાં એશિયા કપ ૨૦૨૫ માં વ્યસ્ત છે
જે ટી૨૦ ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. આ દરમિયાન, રોહિતે પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે નેટ પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. આ વીડિયો સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “હું ફરીથી અહીં છું, ખરેખર સારું લાગે છે.” આ પોસ્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે રોહિત શર્મા ફરીથી રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ આ વર્ષની શરૂઆતમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ત્યારબાદથી, બંને દિગ્ગજ ખેલાડીઓ ક્રિકેટથી દૂર હતા, જેના કારણે તેમના ભવિષ્યને લઈને વિવિધ અટકળો ચાલી રહી હતી. ખાસ કરીને રોહિતે ૨૦૨૪ના ટી૨૦ વર્લ્ડ કપ જીત્યા બાદ ટી૨૦ અને ૭ મે, ૨૦૨૫ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, જેના કારણે વન-ડેમાંથી પણ તેમની નિવૃત્તિની ચર્ચાએ જોર પકડ્યું હતું.
જોકે, આ નવા વીડિયોએ બધું સ્પષ્ટ કરી દીધું છે.
ભારતીય ટીમ ૧૯ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વન-ડે શ્રેણી શરૂ કરવા જઈ રહી છે. રોહિત શર્માની આ પ્રેક્ટિસ જોતા, તેમનું આ શ્રેણીમાં રમવું લગભગ નિશ્ચિત મનાય છે, અને તે કેપ્ટનશીપની જવાબદારી પણ સંભાળશે. એવી પણ શક્યતા છે કે ઓસ્ટ્રેલિયા ‘એ’ ટીમ સામેની શ્રેણીમાં પણ રોહિત રમી શકે છે, જેથી તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા પોતાની રમતને વધુ સારી રીતે ચકાસી શકે. રોહિત શર્માનું આ કમબેક ચાહકો માટે ઉત્સાહનો વિષય બન્યો છે.

