બાંગ્લાદેશનો જીત સાથે એશિયા કપનો પ્રારંભ, હોંગકોંગને આઠ વિકેટથી હરાવ્યું
બાંગ્લાદેશે એશિયા કપ ૨૦૨૫ માં હોંગકોંગને આઠ વિકેટે હરાવીને એક દશકથી વધુ જૂની શરમજનક હારનો બદલો લીધો છે. ૧૧ વર્ષ પહેલાં ૨૦૧૪ના ટી૨૦ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને હોંગકોંગ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે, લિટન દાસની આગેવાની હેઠળની ટીમે મેદાન પર શાનદાર પ્રદર્શન કરીને તે ઇતિહાસને બદલી નાખ્યો. અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બોલરો અને પછી બેટ્સમેનોના સંયુક્ત પ્રયાસોથી આસાન વિજય મેળવ્યો.
પ્રથમ બેટિંગ કરતા હોંગકોંગની ટીમ મુશ્કેલીમાં જોવા મળી.
બાંગ્લાદેશના બોલરો, ખાસ કરીને તસ્કીન અહેમદ, તન્ઝીમ હસન સાકિબ, અને રિશાદ હુસૈન (બધાએ બે-બે વિકેટ લીધી) એ શાનદાર બોલિંગ કરી. હોંગકોંગનો ટોપ ઓર્ડર પાવરપ્લેમાં રન બનાવવા માટે સંઘર્ષ કરતો રહ્યો. જોકે, નિઝાકત ખાને ૪૨ રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમીને પોતાની ટીમને ૧૪૩ના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી. ૧૪૪ રનનો લક્ષ્યાંક એશિયા કપ જેવી ટુર્નામેન્ટમાં પડકારરૂપ બની શક્યો હોત, પરંતુ બાંગ્લાદેશના બેટ્સમેનોએ તેને આસાન બનાવી દીધો.

બાંગ્લાદેશે શરૂઆતમાં તેના બે બિનઅનુભવી ઓપનરો
પરવીન હુસૈન ઇમોન અને તાંઝીદ હસન તમીમને ગુમાવ્યા.જોકે, કેપ્ટન લિટન દાસે કમાન સંભાળી અને પોતાની અનુભવી બેટિંગનો પરિચય આપ્યો. તેણે માત્ર ૩૩ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને આખરે ૩૯ બોલમાં ૫૯ રન બનાવી ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી. લિટન દાસને તૌહીદ હૃદયોય નો સારો સાથ મળ્યો, જેણે અણનમ ૩૪ રન બનાવ્યા. આ બંનેની શાનદાર ભાગીદારીથી બાંગ્લાદેશે માત્ર ૧૪.૨ ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો અને આઠ વિકેટે જીત મેળવી.

આ જીત સાથે, બાંગ્લાદેશે માત્ર ટુર્નામેન્ટમાં પોતાનો વિજયી પ્રારંભ જ નથી કર્યો, પરંતુ ગ્રુપ બીમાં સુપર ફોર માટેની પોતાની દાવેદારી પણ મજબૂત કરી છે. બીજી તરફ, આ હાર સાથે હોંગકોંગ માટે ટુર્નામેન્ટમાં આગળ વધવું મુશ્કેલ બની ગયું છે. હવે બાંગ્લાદેશનો આગલો મુકાબલો ૧૩ સપ્ટેમ્બરે શ્રીલંકા સામે થશે, જે ગ્રુપ બીની એક મહત્વપૂર્ણ મેચ હશે.

