નવી દિલ્હીઃ અયોધ્યામાં મંદિર મસ્જીદ વિવાદનો ઉકેલ કોર્ટની બહાર લાવવા માટે સુન્ની વકફ બોર્ડ, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અને મુસ્લિમ સમુદાયના અનેક પ્રમુખ સભ્યોએ ધર્મગુરૂ શ્રીશ્રી રવિ શંકર સાથે મુલાકાત કરી. આ મુલાકાત બેંગાલુરૂમાં યોજાઇ હતી.
આ તમામ લોકોએ મસ્જીદને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. સાથે જ અયોધ્યા મામલાનો ઉકેલ કોર્ટની બહાર લાવવાની વાત કરી છે. રવિશંકર સાથે 16 સભ્યોના દળમાં દેશના વિવિધ પ્રદેશોના મુસ્લિમ પ્રતિનિધિ અને બુદ્ધિજીવીઓ સામેલ હતા.
જેમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડના કાર્યકારી સભ્ય મૌલાના સૈયદ સલમાન હુસૈન નદવી, સુન્ની સેંટ્રલ વકફ બોર્ડના અધ્યક્ષ જફર ફારૂખી, ટીલેવાલી મસ્જીદ લખનઉના મૌલાના વાસિફ હસન, રિટાયર્ડ IAS ડો.અનીસ અંસારી, બિઝનેસમેન AR રહમાન, વર્લ્ડ ઇસ્લામિક ફોરમ લંડનના ચેરમેન મૌલાના ઇસા મંસૂરી, હજ કમિટી ઓફ ઇન્ડિયાના પૂર્વ ચેરમેન એ અબુ બકર સહિત અનેક મુસ્લિમ પ્રતિનિધિઓ સામેલ થયા હતા.
આ બેઠકમાં નકકી કરવામાં આવ્યું છે કે, આગામી સુનાવણી પહેલા બન્ને ધર્મના પ્રતિનિધિઓ વચ્ચે એક બેઠક કરવામાં આવે.