સુરતના ગોડાદરા વિસ્તારમાં ટેમ્પો અને મોપેડ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. ગોડાદરાના ધ્રુવ પાર્ક પાસે આ અકસ્માત થયો હતો. ઝડપી રહેલા ટેમ્પો ચાલકે એક્ટિવા પર સવાર પિતા-પુત્રીને ટક્કર મારી હતી. જેમાં કાર્યકર ગોપાલભાઈ મકવાણાનું પુત્રીની સામે જ ઘટનાસ્થળે મોત થયું હતું. બનાવ અંગે ગોડાદરા પોલીસે ગુનો નોંધી ટેમ્પો ચાલકની અટકાયત કરી છે. પરિવારનો સહારો છીનવાઈ જતાં પરિવારના સભ્યો રડી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.
અકસ્માતમાં પિતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું
સુરતમાં અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આવી જ વધુ એક ઘટના સુરતના ગોડાદરા વિસ્તારમાં સામે આવી છે. ગોડાદરાના ધ્રુવ પાર્ક પાસે ટેમ્પો અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતા ટેમ્પો ચાલકે એક્ટિવા ચાલકને ઓવરટેક કર્યો હતો. 42 વર્ષીય ગોપાલભાઈ તેમની પુત્રી સાથે એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા. ધ્રુવ પાર્ક પાસેથી પસાર થતા સમયે સામેથી આવી રહેલા ટેમ્પો (GJ-05-8554)ના ચાલકે અચાનક ઓવરટેક કરી ગંભીર અકસ્માત સર્જ્યો હતો.
અકસ્માતમાં પુત્રીનું મોત થતાં લોકો એકઠા થયા
જેમાં એક્ટિવા ચાલક ગોપાલભાઈ મકવાણાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેની પુત્રીને હાથ-પગમાં ગંભીર ઈજાઓ થઈ છે. અકસ્માતની જાણ થતાં ગોડાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના બાદ પોલીસે તાત્કાલિક ગોપાલભાઈ અને તેમની પુત્રીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યારે ટેમ્પો સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યો હતો અને ડ્રાઈવરને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. હાલ પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો
ગોપાલભાઈ મકવાણા તેમની પુત્રીને લઈને ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 42 વર્ષીય ગોપાલભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજતાં પરિવારમાં આભ તૂટી પડ્યું હતું. ગોપાલભાઈ પરિવારમાં એકમાત્ર કમાનાર હોવાથી પરિવારમાં શોકનો માહોલ છે. ગોપાલભાઈના પરિવારમાં બે બાળકો છે અને આ પરિવારના આધારસ્તંભ ગોપાલભાઈ પોતે હતા. પરિવારનો આધાર ન રહેતા ગોપાલભાઈનો પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો હતો.