Appleએ તાજેતરમાં જ સેટેલાઇટ કનેક્ટિવિટી સાથે iPhone 14 સિરીઝ લૉન્ચ કરી છે. એપલે તેના iPhoneમાં પહેલીવાર સેટેલાઇટ કનેક્ટિવિટી આપી છે, પરંતુ આ પણ માત્ર ઈમરજન્સી માટે છે. ઈમરજન્સીની સ્થિતિમાં iPhone 14 સિરીઝ અને Apple Watch Ultra દ્વારા મેસેજ મોકલી શકાય છે અને કૉલિંગ પણ કરી શકાય છે.
એપલ બાદ હવે સેમસંગ પણ તેની તૈયારી કરી રહ્યું છે. અહેવાલ છે કે સેમસંગ પોતાનો પ્રીમિયમ સ્માર્ટફોન સેટેલાઇટ કનેક્ટિવિટી સાથે લોન્ચ કરશે. રિપોર્ટ્સ અનુસાર, Samsung Galaxy S23 સિરીઝનું લોન્ચિંગ આવતા વર્ષની શરૂઆતમાં થવા જઈ રહ્યું છે અને આ સિરીઝ સાથે સેમસંગ સેટેલાઇટ કનેક્ટિવિટી પણ આપી શકે છે.
Galaxy S23 સિરીઝનું લોન્ચિંગ જાન્યુઆરી 2023માં થઈ શકે છે. સેમસંગના ફોનમાં સેટેલાઇટ કનેક્ટિવિટી હોવાની જાણ કરનાર સૌપ્રથમ Gizmochina હતી.iPhones 14 સિરીઝ સાથે મળેલી સેટેલાઇટ કનેક્ટિવિટીનો ઉપયોગ માત્ર યુએસ અને કેનેડામાં જ થઈ શકે છે, જોકે Apple તેને ટૂંક સમયમાં અન્ય દેશોમાં રોલ આઉટ કરે તેવી અપેક્ષા છે.
જણાવી દઈએ કે Huawei ના ફોન સાથે સેટેલાઇટ કનેક્ટિવિટી પહેલેથી જ છે. Huawei Mate50 સિરીઝના ફોનમાં સેટેલાઇટ કનેક્ટિવિટી આપવામાં આવી છે.જણાવી દઈએ કે, આવનારા સમયમાં સેટેલાઇટ કનેક્ટિવિટીની ભૂમિકા મહત્વની બનવાની છે. મોટાભાગની ટેક્નોલોજી કંપનીઓ સેટેલાઇટ કનેક્ટિવિટી પર કામ કરી રહી છે. મોબાઇલ નેટવર્કના વિકલ્પની શોધ લાંબા સમયથી ચાલી રહી છે, જોકે સેટેલાઇટ કનેક્ટિવિટીવાળા ઉપકરણોની કિંમત વધુ હશે.