નસીબ ક્યારે ચમકશે તે કોઈ કહી શકતું નથી. આવું જ કંઈક કેરળના એક ઓટો રિક્ષા ચાલક સાથે થયું! આ વ્યક્તિએ તાજેતરમાં લોન માટે અરજી કરી હતી જે સ્વીકારી પણ લેવામાં આવી હતી અને આ દરમિયાન તેને લોટરી લાગી હતી. આ લોટરી 1-2 લાખ અથવા 1-2 કરોડની નથી પરંતુ 25 કરોડ રૂપિયાની છે. હવે આ વ્યક્તિ અને તેનો પરિવાર વિશ્વાસ નથી કરી શકતા કે તેમને 25 કરોડ રૂપિયા મળવાના છે.
તમને જણાવી દઈએ કે આ કેસ છે કેરળના તિરુવનંતપુરમના શ્રીવરહમના રહેવાસી અનૂપનો, જેણે શનિવારે રાત્રે ઓણમ બમ્પર લોટરીમાં લોટરીની ટિકિટ ખરીદી હતી. અનૂપ ઓટો ચલાવીને પરિવારનું ભરણપોષણ કરી શકતો ન હતો. તાજેતરમાં, તેણે મલેશિયામાં શેફ તરીકે કામ કરવાનું નક્કી કર્યું. ટેક્સ બાદ અનૂપને 15.75 કરોડ રૂપિયા મળશે.
ઓટો ડ્રાઈવર શેફ બનવા મલેશિયા જઈ રહ્યો હતો
30 વર્ષીય અનૂપ ઓટોરિક્ષા ચલાવતા પહેલા હોટલમાં રસોઇયા તરીકે કામ કરતો હતો અને ફરીથી રસોઇયા તરીકે કામ કરવા મલેશિયા જવાની તૈયારી કરી રહ્યો હતો. મલેશિયા જવા માટે તેમની બેંક લોન પણ મંજૂર કરવામાં આવી હતી. આ પછી તેણે 500 રૂપિયામાં લોટરીની ટિકિટ ખરીદી, જેના પર તેની બમ્પર લોટરી નીકળી.
22 વર્ષથી લોટરી ખરીદવી
અનૂપે કહ્યું કે તે છેલ્લા 22 વર્ષથી લોટરીની ટિકિટ ખરીદે છે અને અત્યાર સુધી તેને થોડાક રૂપિયાથી લઈને વધુમાં વધુ પાંચ હજાર રૂપિયા મળ્યા હતા. “મેં જીતવાની અપેક્ષા નહોતી રાખી, તેથી મેં ટીવી પર લોટરીના પરિણામો જોયા નથી,” તેણે કહ્યું. પરંતુ જ્યારે મેં મારો ફોન જોયો, ત્યારે મને ખબર પડી કે હું જીતી ગયો છું. મને વિશ્વાસ ન આવ્યો અને મેં મારી પત્નીને બતાવ્યું. તેણે કહ્યું કે તે વિજેતા નંબર હતો.
કેરળના લોટરી ઈતિહાસનું સૌથી મોટું ઈનામ
આ વર્ષનું બમ્પર ઈનામ કેરળના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઈનામ છે. આ વર્ષે કેરળમાં 67 લાખ ઓણમ બમ્પર લોટરીની ટિકિટો છપાઈ હતી, જેમાંથી લગભગ તમામ વેચાઈ ગઈ હતી. જેમાં પ્રથમ ઇનામમાં 25 કરોડ, બીજા ઇનામમાં 5 કરોડ અને ત્રીજા ઇનામ તરીકે 10 લોકોને 1-1 કરોડ આપવામાં આવ્યા હતા. ટિકિટ વેચનાર એજન્ટને લોટરી ઇનામમાંથી કમિશન પણ આપવામાં આવશે.