ગુજરાતની તીજોરીમાંથી રૂપિયા ગુમ થઈ રહ્યાં છે
- હું ગુજરાતનો ચોરીદાર કહ્યું, પણ નાણાં ગુમ થઈ ગયા
- 2023-24માં 27176 કરોડ વ્યાજ ચૂકવ્યું છતાં 204 પ્રોજેક્ટ અધુરા
દિલીપ પટેલ
ગાંધીનગર, 12 સપ્ટેમ્બર 2025
2025ના ચોમાસુ સત્રમાં છેલ્લા દિવસે ગુજરાત વિધાનસભા ગૃહમાં 2023-24ના વર્ષનો કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)નો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. 24 વિભાગોને અપાયેલા નાણાં પર ટિપ્પણી કરવામાં આવી છે. નાણાં પ્રધાન કનુ દેસાઈનો નિષ્ફળ દેખાવ રહ્યો છે. નાણાકીય આયોજન કંગાળ રહ્યું છે. બજેટના ખર્ચનું નિયમન અને બજેટનું આયોજન અધકચરું છે. બજેટની દરખાસ્ત પણ વાસ્તવથી વેગળી જોવા મળી હતી. ખર્ચ કરવાના આયોજન કંગાળ કે નબળા હતા. હિસાબ પદ્ધતિમાં છીંડા રાખી દેવામાં આવ્યા હતા.
પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અને લોકસભાની ચૂંટણીમાં વારંવાર કહ્યું હતું કે હું ગુજરાતની તિજોરીનો ચોકીદાર છું કોઈનો પંજો નહીં પડવા દઉં. પણ ગુજરાતની તિજોરીમાંથી નાણાં ગુમ થઈ રહ્યા છે.
વ્યાજ પગાર
વધતી રાજકોષીય ખાધ, વ્યાજ અને પેન્શનના વધતા ખર્ચ, અને ખાસ કરીને હિસાબી વિસંગતતાઓ અને કેન્દ્ર સરકારના ભંડોળના અયોગ્ય ઉપયોગ ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકાર કરી રહી છે. વ્યાજ, વેતન અને પેન્શનનો ખર્ચ વર્ષ 2023-24માં રૂ. 96 હજાર 582 કરોડ થયો છે. આ ખર્ચ 2022-23માં રૂ. 79 હજાર 784 કરોડ હતો. 16 હજાર 798 કરોડ વધારે ખર્ચ વ્યાજ અને પગાર પાછળ કરવામાં આવ્યો છે.
પેન્શન
વર્ષ 2023-24માં વેતન અને પેન્શન માટે 96 હજાર 582 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. નોડલ એજન્સીમાં 7743 કરોડ રૂપિયા વણવપરાયેલા પડ્યા છે.
વ્યાજ
રાજ્ય સરકાર દેવાના ડુંગર તળે દબાતી જાય છે. ગવર્ષ 2023-24માં 27 હજાર 176 કરોડ રૂપિયા વ્યાજની ચૂકવણી કરવામાં આવી છે. તેથી આવતા વર્ષે નાણાં ઓછા ફાળવીને વિકાસને કુંઠિત કરશે.
બિન કર આવક અને કરવેરાની આવક, તબદીલી તથા ખર્ચમાં વિસંગતતા બહાર આવી છે.
જંગી પ્રમાણમાં ઉધાર નાણાં લીધા છે.
ખર્ચ
વર્ષ 2023-24 માં રાજ્યનો ખર્ચ પાછલા વર્ષ 2022-23ની સરખામણીમાં રૂપિયા 31 હજાર 124 કરોડ જેટલો વધ્યો છે
પાંચ વર્ષ 2019-2024માં મહેસૂલી ખર્ચ 44 ટકાથી 51 ટકા રહ્યો છે. જે સરકારની અણઆવડત અને પૈસાનો ઉડાવ વહીવટ બતાવે છે.
એકલ નોડલ એજન્સીઓના ખાતામાં 7,743 કરોડની રકમ વણવપરાયેલી પડી રહી છે.
કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા રૂ. 4,745 કરોડના નાણાના ઉપયોગ પ્રમાણપત્ર રાજ્ય સરકાર રજૂ કરી શકી નથી. જે ગોલમાલની શક્યતા બતાવે છે.
રાજકોષીય ખાધ
વર્ષ 2023-24માં રાજ્યની રાજકોષીય ખાધ રૂ. 23,493 કરોડ નોંધાઈ છે. જે અગાઉના વર્ષ 2022-23ની રૂ. 16,846 કરોડની ખાધ કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. રાજ્યની આવક કરતા ખર્ચમા વધારો થયો છે. એક જ વર્ષમાં ગુજરાતની રાજકોષીય ખાધમાં 39 ટકાનો વધારો થયો છે.
આવક
વર્ષ 2023-24માં મૂડીની આવકમાં રૂ. 10 હજાર 819 કરોડનો ઘટાડો થયો છે.
2019-20માં મહેસુલી પુરાંત 1945 કરોડ હતી જે 2023-24માં 33477 કરોડ થઈ હતી.
આવક અને ખર્ચનો તફાવત મહેસૂલી પુરાંતમાં પરિણમ્યો છે.
ગુજરાત સરકારની મહેસૂલી આવક 11.71 ટકાના વધારા સાથે રૂ 2 લાખ 22 હજાર 763 કરોડ થઈ છે. તેની સામે કુલ ખર્ચ રૂ 2,47,632 કરોડ થયો છે. આમ આવક કરતાં ખર્ચ નોંધપાત્ર વધારે છે.
રાજ્યની આવકમાં 11.71% વધારો થયો છે. છતાં વ્યાજે નાણાં લેવા પડે છે. વેરાની આવકમાં 7.54 ટકા અને બિન-કર આવકમાં 28.61 ટકાનો જંગી વધારો થયો છે. સરકારે ભવિષ્યમાં ખર્ચને વધુ કાર્યક્ષમ બનાવવાની અને આવકના નવા સ્ત્રોત શોધવાની જરૂર પડશે.
બાકી વેરા
ગુજરાત સરકાર બાકી વેરા વસૂલાતની રકમ 72 હજાર કરોડે પહોંચી છે. દર વર્ષે બાકી વેરા વસૂલાતની રકમમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જીએસટી, વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) અને વેચાણ વેરા પેટે સૌથી વધુ રૂ. 40 હજાર 288 કરોડની વસુલાત કરવાની બાકી છે. જેમાં ઘણા કેસ પાંચ વર્ષ કે તેનાથી પણ વધુ જુના છે. કોર્ટ કેસ, નાદારી, સરકારી રોક સહિત વિવિધ કારણોસર બાકી વેરાની વસૂલાત કરી શકાય છે. બાકી વસૂલાતની રકમમાં વીજ શુલ્કની વિગત સામેલ નથી.
કર ચોરીના 2.11 લાખ કેસ
સ્ટેમ્પ ડ્યુટી, વાહન પરનો ટેક્સ તેમજ જીએસટી અને વેટ હેઠળ કુલ 2.11 લાખ કેસ શોધી કાઢવામાં આવ્યા હતા. જેમા 97 હજાર કેસોમાં રૂ. 1165 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ કરવામાં આવી છે. તો 1.33 લાખ ટેક્સ કેસને હજી સુધી પેન્ડિંગ છે.
બિનનફાકારક રોકાણ
સરકારી કંપનીઓ અને નિગમોમાં 6 હજાર 253 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જે બિનનફાકારક છે અને કોઇ નફો મળ્યો નથી. વર્ષ 2019 થી 2024 દરમિયાન ગુજરાત સરકારના મૂડીરોકાણમાં રૂ. 34 હજાર 835 કરોડ જેટલો વધારો થયો હતો, જો કે રોકાણ માંથી વળતર અત્યંત નહિવત છે.
ઉચાપત
183 કિસ્સાઓમાં નાણાંની ઉચાપત થઈ છે. તદુપરાંત રૂ. 176.87 કરોડના કેસોનો કોઈ જ ઉકેલ આવી શક્યો નથી.
જંગી નુકસાન
સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીના લીધે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. 20 સરકારી વિભાગોમાં રૂ. 55 લાખની ચોરી, આગ અકસ્માતમાં રૂ. 1.95 કરોડનું નુકસાન, સરકારી માલીકીના માલસામાનને રૂ. 174.36 કરોડનું નુકસાન સહિત કુલ 183 ઘટનાઓમાં 176.86 કરોડ રૂપિયા સરકારી નાણાંની બરબાદી કરવામાં આવી છે.
204 યોજનાઓ અધુરી
204 સરકારી વિકાસ યોજના સમયસર પૂર્ણ ન કરતાં અધુરી રહી છે. ઘણી સરકારી યોજનાઓની કામગીરી વર્ષો બાદ અધુરી રહી છે. મૂડી ખર્ચના નાણાં સલવાયેલા છે. 204 જેટલા પ્રોજેક્ટ અધૂરા પડ્યા છે. આ દરેક પ્રોજેક્ટમાં રૂ. 10 કરોડતી વધુનો ખર્ચ થયેલો છે. કુલ મળીને રૂ. 16 હજાર 403 કરોલ સલવાઈ ગયા હતા.
ખોટી જોગવાઈઓ
સાત અનુદાનના રૂ. 2414 કરોડની પૂરક જોગવાઈ બિનજરૂરી હતી. રૂ. 11344 કરોડના ખર્ચના નાણાં એક હેડ હેઠળથી બીજા હેડમાં ખોટી રીતે લઈ જવામાં આવ્યા હતા.
બજેટમાં 151 ગ્રાન્ટના નાણાંમાંથી 50 ટકા નાણાં વણવપરાયેલા રહ્યા છે તેમ જ 13.51 ટકા એટલે કે બજેટનો રૂ. 45 હજાર 154 કરોડ પડ્યા રહ્યા હતા.
રૂ. 353.71 કરોડ વણ વપરાયેલાં પરત પણ કરવામાં આવ્યા નહોતા. 2023-24ના વર્ષમાં રૂ.193.67 કરોડનો જરૂર કરતાં વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ખર્ચ માટે વિધાનસભાની મંજૂરી પણ લેવામાં આવી નહોતી.
હિસાબી ગોટાળા
ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા રૂ. 21 હજાર 845 કરોડ સીઘું પ્રોગ્રામનો અમલ કરતી સંસ્થાઓને આપી દેવામાં આવ્યા હતા. ગુજરાત સરકારને બાડુ પર મૂકી લઈને નાણાંનો વ્યવહાર નાણાં પ્રધાન કનુ દેસાઈએ કર્યો હતો.
પર્સનલ લેજર એકાઉન્ટની વણવપરાયેલી સિલક રૂ. 1951 કરોડ હતી. આ જ રીતે 24 ખાતામાં મળીને રૂ. 11 હજાર 869 કરોડની ગ્રાન્ટના સર્ટિફિકેટ પણ વપરાયા વિના જ રહી ગયા હતા. નિષ્ક્રિય લોન એકાઉન્ટમાં રૂ. 833.30 કરોડ પડ્યા રહ્યા છે.
કોરોના
કોરોના કાળમાં 2019-20માં વિજય રૂપાણીની સરકાર પાસેની સિલક 19.51 ટકા ઘટી ગઈ હતી. તે 2020-21ના વર્ષમાં વધીને 21.57 ટકા થઈ ગઈ હતી. ગુજરાત સરકારને માથે દેવાનો બોજ ખાસ્સો વધી ગયો છે. બીજી તરફ ગુજરાત સરકાર કેટલીક થાપણો પરનું રૂ. 264.12 કરોડનું વ્યાજ ચૂકવવામા પણ નિષ્ફળ ગઈ હતી. વ્યાજની લોન મહેસૂલી ખર્ચમાં વાપરી નાખી હતી, જે લાંબા ગાળા માટે રાજ્યની આર્થિક સ્થિતિ ડામાડોળ કરી શકે છે.
જમીન ખર્ચ
જમીન હસ્તગત કરવા માટેના ખર્ચનું પણ ખોટું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.
આંગણવાડી
મહિલા અને બાળ વિકાસ વિભાગની નબળી કામગીરી રહી હતી. 2350 આંગણવાડીઓ બાંધવાની જાહેરાત કરી હતી, પરંતુ વાસ્તવમાં માત્ર 210 આંગણવાડીઓ જ બાંધવામાં આવી હતી. ગુજરાત વુમન ઇકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન રૂ. 21 કરોડના પૈસા ન વપરાતા ગ્રાન્ટ પરત કરવામાં આવી નહોતી.
નાણાં ગુમ કર્યા
2012-13થી 2023-24 સુધી ટ્રાફિક નિયમોના ભંગ બદલ વસૂલેલા દંડની 13 ટકા રકમ ગાયબ કરી દેવામાં આવી હતી. દંડના નાણાં ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ ફંડમાં જમા કરાવવા પડે છે. છતાં 87 ટકા રકમ જમા કરાવીને બાકીની રકમ રૂ. 148.80 કરોડ ગુમ હતા.
ટ્રાફિક દંડ તરીકે રૂ. 1,123.29 કરોડ વસૂલ્યા હતા. પરંતુ તેમાંથી માત્ર રૂ. 974.49 કરોડ જમા કરાવ્યા હતા.
2023-24માં ઘરેલુ ઉત્પાદન (GSDP)માં 10.48%નો વધારો થયો છે, તો નાણાંનો ગેરવહીવટ વધ્યો છે.
રાજ્ય સરકારની આર્થિક નીતિઓ, ખેતી અને વેપાર માટે અનુકૂળ નથી.