કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના પ્રતિનિધિઓ શનિવારે પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો એકત્રિત કરવા નવી દિલ્હી આવ્યા હતા. આ સંદર્ભે પ્રતિનિધિઓ કોંગ્રેસના કેન્દ્રીય ચૂંટણી સત્તામંડળના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીને મળ્યા હતા. તેમના ઉમેદવારી માટે મોકલવામાં આવેલા વિનંતી પત્રમાં, થરૂરે કોંગ્રેસ પાર્ટીના વડાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રોના પાંચ સેટની માંગણી કરી છે.
માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે શશિ થરૂર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચે મુકાબલો થઈ શકે છે. ગેહલોતે શુક્રવારે સ્પષ્ટ કહ્યું કે તેઓ પાર્ટી અધ્યક્ષ પદના ઉમેદવાર હશે. રાહુલ ગાંધીને મળ્યા બાદ તેમણે આ જાહેરાત કરી હતી. તેમના કહેવા પ્રમાણે, રાહુલ ગાંધીએ તેમને સ્પષ્ટપણે કહી દીધું છે કે ગાંધી-નેહરુ પરિવારમાંથી કોઈ ઉમેદવાર નહીં હોય. ગેહલોતની આ જાહેરાત સાથે જ દેશની સૌથી જૂની પાર્ટીના અધ્યક્ષ પદ માટેના પ્રથમ ઉમેદવાર તેમના રૂપમાં દેખાયા.
જો કે અન્ય કેટલાક નેતાઓ પણ ચૂંટણી મેદાનમાં ઉતરે તેવી શક્યતા નકારી શકાતી નથી. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીઓ કમલનાથ, મુકુલ વાસનિક અને પૃથ્વીરાજ ચવ્હાણના નામ પણ સંભવિત દાવેદાર તરીકે ચર્ચામાં છે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી પણ ચૂંટણી લડવાની શક્યતા પર વિચાર કરી રહ્યા છે, જોકે તેમણે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. એવું જાણવા મળે છે કે ગેહલોત આવતા સપ્તાહની શરૂઆતમાં નોમિનેશન ફાઇલ કરી શકે છે.
કૉંગ્રેસના અધ્યક્ષ પદ માટેની રેસ તેજ થઈ રહી છે ત્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સભ્ય દિગ્વિજય સિંહે કહ્યું કે તેમને પાર્ટી અધ્યક્ષ બનવામાં રસ નથી. સિંહે કહ્યું, “મેં પહેલેથી જ કહ્યું છે અને પુનરાવર્તિત કર્યું છે કે મને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવામાં રસ નથી.” જો ગેહલોત પાર્ટીના અધ્યક્ષ બનશે તો રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે કોણ હશે તે પૂછવામાં આવતા, તેમણે આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે, “હું રાજસ્થાનનો જનપ્રતિનિધિ નથી.”
કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીએ ગુરૂવારે પાર્ટી અધ્યક્ષની ચૂંટણી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ગુરુવારે જાહેરનામું બહાર પાડ્યા બાદ હવે 24 થી 30 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. એકથી વધુ ઉમેદવારોના કિસ્સામાં 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.