બેન્કના ગ્રાહકોને ઑનલાઇન નાણાકીય છેતરપિંડીથી બચાવવા માટે ભારતીય રિઝર્વ બેન્ક ફ્રોડ રજીસ્ટ્રી તૈયાર કરી રહ્યું છે. તેમાં તે દરેક વેબસાઇટો, ફોન નંબર તેમજ મોબાઇલ એપ્લિકેશનનો ડેટાબેઝ છે જેનાથી ગ્રાહકો સાથે છેતરપિંડી કરાઇ હતી. ડેટાબેઝના આધાર પર આ વેબસાઇટો, ફોન નંબર તેમજ મોબાઇલ એપ્સને બ્લોક કરવામાં આવશે.
સાથે જ વેબસાઇટ માટે ઉપયોગમાં લેવાતા આઇપી એડ્રેસ, એક જ સરનામું અથવા આધાર પર લેવામાં આવતા સિમકાર્ડનો રેકોર્ડ પણ જમા કરાશે. ઑનલાઇન ફ્રોડમાં સામેલ એવા લોકોનો પણ રેકોર્ડ રખાશે જેમણે પહેલા પણ કોઇ ગુનો કર્યો હોય અથવા જે વિલફૂલ ડિફોલ્ટર રહ્યા છે. એવા લોકો જેમની વિરુદ્વ બેન્ક અથવા નાણાકીય સંસ્થાએ કોઇ કાર્યવાહી કરી છે, તેઓનો ડેટા પણ રજીસ્ટ્રીમાં અપડેટ કરાશે.એઆઇ તેમજ મશિન લર્નિંગથી ફ્રોડમાં નિયમિતપણે ઉપયોગમાં લેવાતા ઇમેલ આઇડી, વેબસાઇટ અથવા ફોન નંબરની ટ્રેકિંગ કરાશે.
આરબીઆઇના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનિલ કુમાર શર્માએ જણાવ્યું કે ફોર્ડ રજીસ્ટ્રી ક્યાં સુધી તૈયાર થશે, તે અંગે કોઇ ચોક્કસ સમય ન આપી શકાય, અત્યારે સંબંધિત પક્ષો સાથે RBI ચર્ચા વિચારણા કરી રહ્યું છે. યોજના છે કે પેમેન્ટ સિસ્ટમ કંપનીઓને ફ્રોડ રજીસ્ટ્રીની એક્સેસ મળશે જેથી કરીને તેઓ રિયલ ટાઇમ પર ફ્રોડ પર નજર રાખી શકશે.
રિઝર્વ બેન્ક છેતરપિંડી કરતા લોકોને ડેટા જાહેર કરીને ગ્રાહકોને ડિજીટલ લેણદેણમાં રહેલા જોખમો અંગે જાગૃત કરશે.નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી દેશમાં યુપીઆઇ અને કેશલેસ ટ્રાન્ઝેક્શનનો ટ્રેન્ડ વધ્યો છે. પરંતુ તેની સાથે સાથે ઑનલાઇન છેતરપિંડી તેમજ બેન્કિંગ ફ્રોડમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. જેને કારણે દર વર્ષે દેશના લાખો લોકો દરરોજ કોઇને કોઇ ઑનલાઇન સ્કેમ, ફ્રોડનો શિકાર બને છે અને પોતાની પરસેવાની કમાણી ગુમાવે છે. આ જ કારણસર RBI ખાતાધારકની બચતની સલામતી તેમજ સુરક્ષા માટે સમયાંતરે કોઇને કોઇ પગલાં લેતી રહે છે.