22 સપ્ટેમ્બરના રોજ, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન PFI સાથે જોડાયેલા 106 લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ દરોડામાં ઘણા ખુલાસા થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સીઓ દ્વારા એકઠા કરવામાં આવેલા પુરાવાના આધારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય PFI પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યું છે.
જો કે, પ્રતિબંધ લાદતા પહેલા, ગૃહ મંત્રાલયના અધિકારીઓ સંપૂર્ણ તૈયારી કરવા માંગે છે, જેથી જો પ્રતિબંધને પડકારવામાં આવે તો તેમની બાજુ નબળી ન પડે. ગુરુવારે દેશના 15 રાજ્યોમાં પાડવામાં આવેલા દરોડામાં તપાસ એજન્સીઓને PFI વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાના મજબૂત પુરાવા મળ્યા છે. તેના આધારે તેને જલ્દી જ પ્રતિબંધના દાયરામાં લાવી શકાય છે.
દરોડા પછી તરત જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને NIA ચીફ સાથે બેઠક પણ કરી હતી. જેમાં પીએફઆઈ સામે એકત્ર થયેલા તથ્યોની સમીક્ષા કરીને આગળની કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલય PFI પર પ્રતિબંધ મૂકતા પહેલા કાયદાકીય સલાહ પણ લઈ રહ્યું છે, જેથી જ્યારે આ મામલે સંબંધિત પક્ષ કોર્ટમાં જાય ત્યારે સરકારની તૈયારી પૂર્ણ થઈ જાય. આવું એટલા માટે પણ કરવામાં આવી રહ્યું છે કારણ કે કેન્દ્ર સરકારે વર્ષ 2008માં સિમી પરનો પ્રતિબંધ હટાવવો પડ્યો હતો. જો કે, બાદમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તેના પર ફરીથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યારે પણ પીએફઆઈનું નામ કોઈ પણ મામલામાં સામે આવે છે ત્યારે ચર્ચા કરવી જરૂરી છે કે જો તેના પર અનેક આરોપો છે તો પછી આ સંગઠન પર પ્રતિબંધ લગાવવામાં આટલો સમય કેમ લાગી રહ્યો છે? તે અવરોધો શું છે?
માહિતી અનુસાર, વિવિધ એજન્સીઓ ઘણા વર્ષોથી PFI વિરુદ્ધ મજબૂત પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત હતી. ગૃહ મંત્રાલય દ્વારા સૂચના આપવામાં આવી હતી કે પીએફઆઈ સંસ્થાની કોઈપણ લિંક છોડવી જોઈએ નહીં. જ્યારે NIAની તપાસ ગુનાહિત સંગઠનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કેન્દ્રિત હતી, ED હવે તેમના નાણાંના સ્ત્રોતને શોધવામાં સંપૂર્ણ રીતે સફળ રહી છે.
ED સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું કે તપાસ દરમિયાન PFIના બેંક ખાતાઓમાં લગભગ 60 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. હવાલા દ્વારા પણ PFIને પૈસા મોકલવામાં આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ માટે અખાતી દેશોમાં કામ કરતા મજૂરોના બેંક ખાતાનો ઉપયોગ ભારતમાં પૈસા મોકલવા માટે કરવામાં આવતો હતો. બીજી તરફ, NIAએ વિસ્ફોટકો બનાવવાથી લઈને ISIS જેવા સંગઠનમાં યુવાનોને મોકલવા, PFI સભ્યો દ્વારા ચલાવવામાં આવતા આતંકી કેમ્પ સિવાય 5 અલગ-અલગ નોંધાયેલા કેસમાં મજબૂત પુરાવા એકઠા કર્યા છે.