બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ રવિવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતા. આ દરમિયાન 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષી એકતા અંગે ચર્ચા થઈ હતી. આ સિવાય ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વિરુદ્ધ નક્કર યોજના તૈયાર કરવા પર સહમતિ બની હતી.
નીતીશ કુમાર અને લાલુ યાદવ સાથે સોનિયા ગાંધીની મુલાકાત દરમિયાન 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે એકજૂથ થઈને લડવા માટે વ્યાપક સહમતિ સધાઈ છે, પરંતુ કોંગ્રેસના નવા અધ્યક્ષ ચૂંટાયા બાદ જ કોઈ નક્કર યોજના તૈયાર કરવામાં આવશે. સોનિયા ગાંધીના 10 જનપથ નિવાસસ્થાને આયોજિત આ બેઠક વિપક્ષી પાર્ટીઓને એક કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે કોંગ્રેસ અને કેટલાક પ્રાદેશિક પક્ષો વચ્ચેના મતભેદોને દૂર કરવાના પ્રયાસો ચાલુ છે.
સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ નીતિશ કુમારે કહ્યું કે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સાથે વાતચીત કરી છે, કારણ કે તેઓ માને છે કે વિપક્ષી દળોએ એક થવું જોઈએ અને ભવિષ્યમાં દેશની પ્રગતિ માટે કામ કરવું જોઈએ. “અમે આ વિષયો પર ચર્ચા કરી, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી થવાની છે અને તે પછી જ તેઓ (સોનિયા ગાંધી) કંઈપણ કહી શકશે,” તેમણે કહ્યું.
બેઠક બાદ લાલુ યાદવે કહ્યું, ‘અમે બધા એક છીએ. અમે સોનિયાજીને કહ્યું કે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે. દરેકને બોલાવીને વાત કરવી જોઈએ અને તેમને (ભાજપ) 2024માં વિદાય કરવી જોઈએ. લાલુ પ્રસાદે કહ્યું કે સોનિયા ગાંધીએ સૂચવ્યું કે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આ ચૂંટણી પછી તેઓ ફરીથી મળશે, પછી બધા કોંગ્રેસના નવા અધ્યક્ષ સાથે ચર્ચા કરી શકે છે.
નીતીશ કુમારે કહ્યું કે ભાજપનો સામનો કરવા માટે વિપક્ષી દળોની એકતા પર વ્યાપક સહમતિ છે, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પછી જ નક્કર એક્શન પ્લાન તૈયાર કરી શકાશે. તેમણે કહ્યું કે અમે કોંગ્રેસની સંગઠનાત્મક ચૂંટણીઓ પછી વધુ વાતચીત કરીશું. આવા જ વિચારો વ્યક્ત કરતા લાલુ યાદવે કહ્યું કે, ‘આપણે બીજેપીને હટાવી દેશને બચાવવો છે. આ માટે આપણે બધાએ બિહારમાં જે રીતે કામ કર્યું હતું તે જ રીતે કાર્ય કરવાની જરૂર છે અને ભાજપને ત્યાંની સત્તા પરથી હટાવવાની જરૂર છે.