શહેરી કક્ષાએ શિક્ષણમાં વધારો થતા માસિકના દિવસો દરમિયાન સેનેટરી પેડનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ગ્રામીણ કક્ષાએ આજે પણ 70 ટકા મહિલાઓ સેનેટરી પેડથી અજાણ છે અને તેઓ માસિકના દિવસોમાં જૂની પદ્ધતિ મુજબ કપડાનો જ ઉપયોગ કરે છે. હાલમાં ‘પેડમેન’ ફિલ્મ ખુબ જ ચર્ચામાં રહી છે. આ ફિલ્મને લીધે સેનેટરી પેડની પણ બોલબાલા વધી છે, પરંતુ આ બાબતે વલસાડ જિલ્લાની વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આજે પણ 70 ટકા મહિલાઓ, યુવતીઓ અને તરુણીઓ જુનવાણી રીતે કપડાનો ઉપયોગ કરે છે.
આ બાબતે સ્થાનિક સરકારી હોસ્પિટલના એક તબીબે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, મહિલાઓ માસિકના દિવસોમાં જૂની પદ્ધતિમાં હાઈજીનના લીધે ઘણી વખત ઇન્ફેકશનનો ભોગ બની હોય તેવા કેસ વધુ પ્રમાણમાં જોવા મળે. આ સમગ્ર બાબતે ગ્રામીણ કક્ષાએ હાલમાં તો જાગૃતિનો અભાવ તો છે જ, પણ સાથે સાથે એક સેનેટરી પેડની કિંમત 40 રૂપિયાથી લઈને 140 રૂપિયા સુધીની હોવાથી ગ્રામીણ વિસ્તારની મહિલા કે યુવતીઓને સેનેટરી પેડ આર્થિક રીતે પરવડી શકે તેમ નથી. એક તરફ માસિક દરમિયાન સાદા કાપડનો ઉપયોગ કરવાનું ટાળવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ ગ્રામીણ કક્ષાએ આર્થિક એટલા તો ગરીબ છે કે આજે પણ ગ્રામીણ મહિલાઓ માસિકના દિવસોમાં સાદા કાપડનો ઉપયોગ કરી રહી છે. જે મહિલાઓ શિક્ષિત છે, તેઓ હવે ધીરે ધીરે હાઈજેનીક પેડ વાપરતી થઈ છે, પરંતુ ઘણી વખત ઇન્ફેકશનને લઇને પાંડુરોગ જેવી બીમારીનો ભોગ બનતી રહી છે.
ગ્રામીણ ક્ષેત્રમાં જાગૃતિ લાવવાની જરૂર
ગ્રામીણ વિસ્તારમાં આવેલી આશ્રમશાળાઓ તેમજ સ્કૂલ-હાઈસ્કૂલોમાં જો વિવિધ સંસ્થાઓ દ્વારા વિશેષ જાગૃતતા અભિયાન ચલાવવામાં આવે, તો હાઈજેનીક પેડના ફાયદાથી વર્ષો જૂની રીતના નુકશાન સમજાવી મહિલાઓને સેનેટરી પેડનો ઉપયોગ કરવા પ્રેરિણા આપી શકાય.
વળી સેનેટરી પેડ આર્થિક રીતે વધુ ખર્ચાળ હોવાથી ગરીબ લોકોને તે પરવડી શકતું નથી, જો સરકાર દ્વારા અથવા કોઈ સંસ્થા દ્વારા માસિક પેડનું વિતરણ કરવામાં આવે, તો ગ્રામીણ વિસ્તારમાં જાગૃતતા લાવી શકાય તેમ છે અને મહિલાઓને ગુપ્ત ભાગોની બિમારીઓથી બચાવી શકાય એમ છે.