ભારતની જાસ્મીન લંબોરિયાએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો.
ભારતીય મહિલા બોક્સર જાસ્મીન લંબોરિયાએ લિવરપૂલમાં આયોજિત વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫માં ૫૭ કિગ્રા વજન વર્ગની ફાઇનલ મેચમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. ફાઇનલમાં તેનો મુકાબલો પોલેન્ડની અનુભવી બોક્સર જુલિયા સ્ઝેરેમેટા સામે હતો, જેણે ૨૦૨૪ પેરિસ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ મેચ જાસ્મીન માટે પડકારજનક હતી, પરંતુ તેણે પોતાના અદમ્ય જુસ્સા અને શાનદાર ટેકનિકથી વિજય મેળવ્યો.
ગોલ્ડ મેડલ મેચના પ્રથમ રાઉન્ડમાં જાસ્મીન થોડી પાછળ રહી હતી
પરંતુ તેણે બીજા રાઉન્ડથી જબરદસ્ત વાપસી કરી અને મેચ પર પકડ જમાવી લીધી. આખરે, તેણે ૪-૧ના વિભાજિત નિર્ણયથી જુલિયાને હરાવીને ગોલ્ડ મેડલ પર પોતાનું નામ અંકિત કર્યું. આ વિજય સાથે, જાસ્મીન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ મહિલા બોક્સરોમાંની એક બની ગઈ છે.

આ જીત બાદ જાસ્મીને પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું
“હું મારી લાગણીઓને શબ્દોમાં વર્ણવી શકતી નથી. વર્લ્ડ ચેમ્પિયન બનવું એ અદ્ભુત અનુભવ છે. પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪માં વહેલા બહાર થયા બાદ મેં મારી ટેકનિક અને માનસિક શક્તિ પર સખત મહેનત કરી હતી. આ વિજય મારી એક વર્ષની સતત મહેનતનું પરિણામ છે.”
આ ચેમ્પિયનશિપમાં અન્ય ભારતીય બોક્સરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું. મહિલાઓની ૮૦ કિગ્રા કેટેગરીમાં ભાગ લેનાર પૂજા રાનીને સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો, જેના કારણે તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો. જ્યારે, તે જ કેટેગરીમાં નુપુરએ સિલ્વર મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું. આ પ્રદર્શને ભારતીય બોક્સિંગના ભવિષ્ય માટે આશા જગાડી છે અને યુવા ખેલાડીઓને પ્રેરણા આપી છે.