સૂર્યકુમાર યાદવના નિવેદન બાદ હવે BCCIનો મોટો ખુલાસો, હાથ મિલાવવાના વિવાદ પર નવો વળાંક
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માત્ર ક્રિકેટના પ્રદર્શન માટે જ નહીં, પરંતુ મેચ પછી થયેલા એક વિવાદને કારણે પણ ચર્ચામાં રહી. પાકિસ્તાન પર 7 વિકેટથી શાનદાર વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટના પછી, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) માં સત્તાવાર ફરિયાદ નોંધાવી હોવાના અહેવાલો હતા, પરંતુ હવે આ મામલે એક મોટો ખુલાસો થયો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ ફરિયાદ અંગે સ્પષ્ટતા કરી છે.
BCCIના એક સૂત્રએ જણાવ્યું છે કે, “ACC તરફથી અમને આવી કોઈ ફરિયાદ નોટિસ મળી નથી.” આ નિવેદનથી પાકિસ્તાનના ફરિયાદના દાવા પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે. હાથ ન મિલાવવાના આ વિવાદ પર ન તો કોઈ ફરિયાદ મળી છે કે ન તો કોઈ સત્તાવાર સંદેશ મોકલવામાં આવ્યો છે.
આ વિવાદ મેચ પછી જ શરૂ થયો ન હતો
પરંતુ ટોસ દરમિયાન જ તેના સંકેતો મળ્યા હતા. સામાન્ય રીતે, ટોસ પછી બંને ટીમના કેપ્ટન હાથ મિલાવે છે, પરંતુ આ મેચમાં સૂર્યકુમાર યાદવ અને સલમાન આગાએ એકબીજા સામે જોયું પણ નહોતું. મેચ જીત્યા બાદ જ્યારે સૂર્યકુમાર અને શિવમ દુબેએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા વિના મેદાન છોડી દીધું, ત્યારે આ વિવાદ વધુ વકર્યો.
મેચ પછી, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક કડક અને સ્પષ્ટ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, “અમારી સરકાર અને BCCI એકમત છે. અમે અહીં માત્ર મેચ રમવા આવ્યા હતા અને મને લાગે છે કે અમે યોગ્ય જવાબ આપ્યો છે. અમે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો સાથે ઊભા છીએ. હું આ જીત ઓપરેશન સિંદૂરમાં ભાગ લેનાર તમામ ભારતીય સૈનિકોને સમર્પિત કરવા માંગુ છું.” સૂર્યકુમારના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભારતીય ટીમનો આ નિર્ણય રાજકીય સંઘર્ષ અને દેશની સુરક્ષા સાથે જોડાયેલો હતો. BCCIના તાજેતરના ખુલાસાથી આ મામલો વધુ ગુંચવાયો છે અને તે આગામી દિવસોમાં વધુ ચર્ચાનો વિષય બની શકે છે.