1984: જ્યારે ઈઝરાયેલે પાકિસ્તાનને ખતમ કરવાનો પ્રસ્તાવ મૂક્યો, પણ ભારતે કેમ નકારી કાઢ્યો?
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હંમેશા તણાવપૂર્ણ રહ્યા છે. ભાગલા પછી થયેલા અનેક યુદ્ધો અને પાકિસ્તાન દ્વારા સતત આતંકવાદને પ્રોત્સાહન આપવાને કારણે આ સંબંધો વધુ બગડ્યા છે. બહુ ઓછા લોકો જાણે છે કે લગભગ ચાર દાયકા પહેલા એક એવી તક હતી જ્યારે ભારત ઇઝરાયેલ સાથે મળીને પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમને હંમેશા માટે ખતમ કરી શક્યું હોત. 1984માં, પાકિસ્તાન પરમાણુ શક્તિ બનવાની તૈયારીમાં હતું, જેનાથી ભારતની સુરક્ષાને મોટો ખતરો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇઝરાયલે ભારતને એક અસાધારણ ઓફર કરી હતી.
ઇઝરાયેલની ઓફર અને યોજના
ઇઝરાયલે ભારતને એક સંયુક્ત ઓપરેશનનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનો ઉદ્દેશ્ય પાકિસ્તાનના પરમાણુ કેન્દ્ર, કહુટા પર હુમલો કરીને તેને નષ્ટ કરવાનો હતો. ઇઝરાયલના મિલિટરી ઈતિહાસકાર અને લેખક એડ્રિયન લેવી અને કેથરિન સ્કોટ-ક્લાર્કના પુસ્તક ‘ડિસેપ્શન’માં આ ઘટનાનો ઉલ્લેખ છે. આ યોજના મુજબ, ઇઝરાયલના F-16 અને F-15 ફાઇટર જેટ ભારતના જામનગર એરબેઝથી ઉડાન ભરીને પાકિસ્તાનના કહુટા સ્થિત પરમાણુ કેન્દ્ર પર હુમલો કરશે. આ મિશનમાં ભારતીય વાયુસેનાના જગુઆર વિમાનો પણ સામેલ થવાના હતા. આ યોજના ઇઝરાયેલના 1981ના ઇરાકના પરમાણુ રિએક્ટર પરના હુમલા (ઓપરેશન ઓપેરા) જેવી જ હતી.

શા માટે આ યોજના રદ કરવી પડી?
આ સમયે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા. તેઓ શરૂઆતમાં આ યોજના માટે સંમત થયા હતા, કારણ કે પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ ભારત માટે ગંભીર ખતરો હતો. જોકે, આંતરરાષ્ટ્રીય દબાણ અને સંભવિત પરિણામોને કારણે આ યોજના રદ કરવી પડી હતી. કેટલાક વિશ્લેષકો માને છે કે જો ભારત આ હુમલામાં ભાગ લેત, તો તેના ગંભીર ભૌગોલિક-રાજકીય પરિણામો આવી શક્યા હોત. ભારતને અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હોત, જે પાકિસ્તાનને સમર્થન આપતા હતા. આ ઉપરાંત, આ હુમલો ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધોને એવા સ્તરે લઈ જાત, જ્યાંથી પાછા ફરવું શક્ય ન હોત. તેથી, છેલ્લી ઘડીએ ભારતે આ ઐતિહાસિક ઓફરને નકારી કાઢી.

જો તે સમયે આ યોજના અમલમાં મૂકવામાં આવી હોત, તો કદાચ પાકિસ્તાન પરમાણુ શક્તિ બની શક્યું ન હોત, અને દક્ષિણ એશિયામાં શક્તિનું સંતુલન આજે અલગ હોત. છતાં, ભારતે રાજદ્વારી અને સુરક્ષાના મોરચે સમજદારીપૂર્વક નિર્ણય લીધો, જેના કારણે એક મોટા યુદ્ધનો સંભવિત ખતરો ટળી ગયો.
