ઈન્ડિયન ટીમ દ્વારા ‘નો હેન્ડશેક’ પર પાકિસ્તાન ભડક્યું, ખ્વાજા આસિફને ફરી ‘ઓપરેશન સિંદૂર’નો ડર સતાવ્યો
એશિયા કપની એક મહત્વપૂર્ણ મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું. આ હારથી પાકિસ્તાનમાં નિરાશા અને ગુસ્સાનો માહોલ છે. મેચ પછી ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ સાથે હાથ ન મિલાવ્યો, જેણે પાડોશી દેશને વધુ આઘાત પહોંચાડ્યો છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે આના પર તીખી પ્રતિક્રિયા આપી અને ભારતને લઈને જૂના ઘા તાજા કર્યા.
પાકિસ્તાનને યાદ આવ્યું ઓપરેશન સિંદૂર
પાકિસ્તાની અખબાર ડોન અનુસાર, સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ભારતીય ખેલાડીઓના આ પગલાને “શરમજનક” ગણાવ્યું. તેમણે કહ્યું કે મે મહિનાના સંઘર્ષ દરમિયાન ભારતને ભારે નુકસાન થયું હતું અને તેને આંતરરાષ્ટ્રીય મંચ પર અપમાન સહન કરવું પડ્યું હતું. આસિફે દાવો કર્યો કે તે સંઘર્ષમાં પાકિસ્તાને છ ભારતીય વિમાનોને તોડી પાડ્યા હતા. તેમનું કહેવું હતું કે આવા “સસ્તા નાટક” તે હારની યાદને ભૂંસી શકતા નથી.
વાસ્તવમાં, ભારતની જીત પછી ટીમ સીધી પોતાના ડ્રેસિંગ રૂમમાં પાછી ફરી ગઈ અને પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાની ના પાડી દીધી. આ વર્તનને કારણે પાકિસ્તાન ગિન્નાયું છે અને તેને પોતાની વિરુદ્ધ એક અપમાનજનક સંકેત માની રહ્યું છે.
સૂર્યકુમાર યાદવનું નિવેદન પાકિસ્તાન માટે નવો ઘા બન્યો
ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવે આ મામલે સ્પષ્ટ કહ્યું કે, “કેટલીક વસ્તુઓ રમત ભાવનાથી પણ ઉપર હોય છે.” તેમના આ નિવેદનને પાકિસ્તાન તરફથી સીધી રીતે પહેલગામ આતંકી હુમલા સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે, જેમાં પાકિસ્તાનની ભૂમિકાને લઈને સતત સવાલો ઉઠતા રહ્યા છે. આ ટિપ્પણીથી પાકિસ્તાનના નેતાઓ અને ત્યાંના કટ્ટરપંથીઓની બેચેની વધુ વધી ગઈ છે.
પાકિસ્તાનની બેચેની અને ભારતની નક્કર પ્રતિક્રિયા
ભારતની આ જીત અને તે પછી ખેલાડીઓના વર્તને પાકિસ્તાનને ઊંડો આઘાત પહોંચાડ્યો છે. ભારતે માત્ર મેદાન પર જ નહીં, પરંતુ મેદાનની બહાર પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રમત ભાવના ત્યારે જ મહત્વની હોય છે જ્યારે બીજી બાજુથી પણ ઈમાનદારી અને પારદર્શિતા જોવા મળે.
પાકિસ્તાન હવે વારંવાર જૂની ઘટનાઓનો હવાલો આપીને પોતાની નારાજગી વ્યક્ત કરવામાં લાગ્યું છે, પરંતુ ભારતના વલણથી એ સ્પષ્ટ છે કે આતંકી ઘટનાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર હવે રમતગમતના મંચ પર પણ સામાન્ય સંબંધની અપેક્ષા રાખવી ખોટી છે.
એશિયા કપની આ જીતે જ્યાં ભારતીય ટીમનું મનોબળ વધાર્યું છે, ત્યાં પાકિસ્તાનને માત્ર હાર જ નહીં પરંતુ ભારતીય ખેલાડીઓના વર્તન અને સૂર્યકુમાર યાદવના નિવેદને વધુ ઊંડો આઘાત આપ્યો છે. પાકિસ્તાનનું રાજકીય અને સંરક્ષણ નેતૃત્વ હવે આ ઘટનાને પણ પોતાના જૂના “ઘા” એટલે કે ઓપરેશન સિંદૂર અને અન્ય હાર સાથે જોડીને જોઈ રહ્યું છે.