કેનેડામાં ખાલિસ્તાનીઓનો ઉપદ્રવ, ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર કબજાની ધમકી
કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો ફરી સક્રિય થયા છે. અલગતાવાદી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) એ વાનકુવરમાં ભારતીય કોન્સ્યુલેટને ઘેરી લેવાની અને કબજો કરવાની ધમકી આપી છે. સંગઠને ત્યાં રહેતા ભારતીયોને દૂતાવાસની નજીક ન જવાની ચેતવણી પણ આપી છે. જોકે, આ બાબતે કેનેડા કે ભારતીય સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ભારત-કેનેડા સંબંધો પર ખાલિસ્તાનીઓની નારાજગી
તાજેતરમાં ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં થોડો સુધારો જોવા મળ્યો છે. માનવામાં આવે છે કે આ જ કારણથી ખાલિસ્તાની સંગઠનો નારાજ છે. અહેવાલ મુજબ, SFJએ જાહેરાત કરી છે કે તે 18 સપ્ટેમ્બરના રોજ ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર કબજો કરશે. સંગઠને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભારતીય નાગરિકો દૂતાવાસની આસપાસ ન જાય.
ભારતીય રાજદ્વારી પર નિશાન
SFJએ આ ધમકી માટે એક પોસ્ટર પણ બહાર પાડ્યું છે. જેમાં કેનેડામાં ભારતના નવા હાઈ કમિશનર દિનેશ પટનાયકની તસવીર પર ગન ટાર્ગેટનું નિશાન લગાવવામાં આવ્યું છે. સંગઠને પોતાના પ્રોપેગેન્ડા પત્રમાં લખ્યું છે કે 18 સપ્ટેમ્બર 2023ના રોજ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં કહ્યું હતું કે ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. આ જ નિવેદનનો હવાલો આપીને SFJ ભારત પર આરોપ લગાવી રહ્યું છે કે દૂતાવાસ ખાલિસ્તાન જનમત સંગ્રહના સમર્થકો સામે જાસૂસી કરી રહ્યું છે.
ફંડિંગનો ખુલાસો
કેનેડામાં ખાલિસ્તાની ગતિવિધિઓ વધવાનું એક મુખ્ય કારણ ફંડિંગ પણ છે. આ મહિનાની શરૂઆતમાં કેનેડા સરકારના એક આંતરિક અહેવાલમાં સ્વીકારવામાં આવ્યું હતું કે દેશમાં ખાલિસ્તાની સંગઠનો હાજર છે અને તેમને વિદેશથી ફંડિંગ મળે છે. અહેવાલમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ SYF જેવા સંગઠનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમને કેનેડામાં સત્તાવાર રીતે આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યા છે.