જૈશ કમાન્ડરની કબૂલાતથી પાકિસ્તાનનો પર્દાફાશ: ‘મસૂદ અઝહરે સંસદ પર હુમલો કરાવ્યો હતો’
પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) ના ટોચના કમાન્ડર મસૂદ ઇલ્યાસ કાશ્મીરી ની તાજેતરની કબૂલાતથી પાકિસ્તાનની આતંકવાદને આશ્રય આપવાની નીતિનો આંતરરાષ્ટ્રીય સ્તરે પર્દાફાશ થયો છે. એક વીડિયોમાં કાશ્મીરીએ સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે જૈશનો મુખ્ય નેતા મસૂદ અઝહર ભારતમાં થયેલા મોટા આતંકવાદી હુમલાઓ, જેમાં સંસદ હુમલો અને 26/11ના મુંબઈ હુમલાનો સમાવેશ થાય છે, તેનો મુખ્ય સૂત્રધાર હતો. આ ખુલાસાથી પાકિસ્તાન સરકાર અને વડાપ્રધાન શાહબાઝ શરીફ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે.
પાકિસ્તાનનો જૂઠ્ઠાણું બહાર આવ્યું
ઇલ્યાસ કાશ્મીરીએ માત્ર આતંકવાદી પ્રવૃત્તિઓની પુષ્ટિ જ નથી કરી, પરંતુ એ પણ ખુલાસો કર્યો કે જૈશ-એ-મોહમ્મદના મુખ્ય અડ્ડા પાકિસ્તાનના બાલાકોટ અને બહાવલપુરમાં આવેલા છે. પાકિસ્તાન લાંબા સમયથી તેની ધરતી પર આતંકવાદીઓની હાજરીનો ઇનકાર કરતું રહ્યું છે, પરંતુ આ કબૂલાતથી તેનો દાવો સંપૂર્ણપણે ખોટો સાબિત થયો છે. કાશ્મીરીએ ખુલાસો કર્યો કે મસૂદ અઝહરનું છુપાવાનું સ્થળ બાલાકોટમાં હતું, જે 2019માં ભારતીય વાયુસેના દ્વારા લક્ષ્યાંકિત કરવામાં આવ્યું હતું.
વીડિયોમાં, ઇલ્યાસે સ્પષ્ટપણે કહ્યું, “મૌલાના મસૂદ અઝહર દિલ્હીની તિહાર જેલમાંથી પાકિસ્તાન આવ્યા હતા. બાલાકોટની માટીએ તેમને તેમના મિશનને પૂર્ણ કરવા માટે આશ્રય આપ્યો. દિલ્હી અને મુંબઈમાં આતંક મચાવનાર મૌલાના મસૂદ અઝહર આ માટી પર જોવા મળે છે.” આ નિવેદન પાકિસ્તાન પરના આંતરરાષ્ટ્રીય દબાણને અનેકગણું વધારી શકે છે.
આતંકવાદીઓને રાજ્ય સન્માન
કાશ્મીરીએ એ પણ ખુલાસો કર્યો કે મે 7ના રોજ, ભારતીય વાયુસેનાએ બહાવલપુર સ્થિત જૈશના મુખ્યમથક, જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ, પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં મસૂદ અઝહરના પરિવારના ઘણા સભ્યો સહિત અનેક આતંકવાદીઓ માર્યા ગયા હતા. આશ્ચર્યજનક રીતે, કાશ્મીરીએ જણાવ્યું કે પાકિસ્તાનના ઉચ્ચ લશ્કરી અધિકારીઓને બહાવલપુરમાં માર્યા ગયેલા જૈશ આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાની સેના અને સરકાર આતંકવાદીઓને ખુલ્લું સમર્થન આપે છે. આ ઘટના પર ભારતે તે સમયે પણ આતંકવાદીઓને રાજ્ય સન્માન આપવા બદલ પાકિસ્તાનને સખત ઠપકો આપ્યો હતો
આ કબૂલાત માત્ર પાકિસ્તાનના જૂઠનો પર્દાફાશ જ નથી કરતી, પરંતુ તે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.