ભાજપ પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઇ હતી.
ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ જણાવ્યું હતુ કે, તાજેતરમાં જ ગુજરાતની ૭૫ નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાઇ હતી, જેમાંથી ૪૭ નગરપાલિકાઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ગઇકાલે પ્રદેશ ભાજપા તરફથી જે-તે નગરપાલિકાઓમાં બે-બે નિરિક્ષકો મોકલવામાં આવ્યા હતા, આ નિરિક્ષકોએ જીલ્લા/શહેરની સંકલન સમિતિઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથેની બેઠકોમાં નગરપાલિકાઓના પ્રમુખ-ઉપપ્રમુખોના નામો અંગેની ચર્ચા-વિચારણાઓ કરી હતી.
પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ૪૭ નગરપાલિકાઓના પ્રભારી મંત્રીઓ, પ્રદેશ નિરિક્ષકો તથા જીલ્લા/શહેર સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ તેમનો અહેવાલ રજુ કર્યો હતો. નગરપાલિકાઓના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીના દિવસે ભાજપ પ્રદેશ તરફથી મેન્ડેટ મોકલવામાં આવશે.
પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતુ કે, ભારતને વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ તરફ લઇ જવા માટેનું પાયાનું કામ માનનીય અટલબિહારી બાજપાઇજીની સરકારે શરૂ કર્યું હતું. વર્ષો પછી આજે જ્યારે દેશને એક પ્રમાણિક અને ઇમાનદાર સરકાર મળી છે ત્યારે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ચાર જ વર્ષમાં ભારત આજે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે.