આજ રોજ સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ખાતે તેમના રન ફોર ન્યુ ઇન્ડિયા કોન્સેપ્ટ પર આયોજિત નાઈટ મેરાથોનને ફ્લેગ ઓફ કરનાર છે. ત્યારે વહેલી સવારે શહેરમાં કેટલીક જગ્યાએ આ રણ ફોર ઇન્ડિયાના નામે વિવાદિત પોસ્ટરો લગાડવામાં આવ્યા છે.વડાપ્રધાનના આગમન પૂર્વે જ વિવાદિત પોસ્ટરો લાગતા હોવી રાજકીય માહોલ પણ ગરમાયો છે.
સુરતના ચાર સ્થળો પર અજાણ્યા લોકો દ્વારા લગાડવામાં આવેલા વિવાદિત પોસ્ટર્સ આજે ચર્ચાનો વિષય બની ગયા છે. વિવાદિત તસ્વીર સાથે રન ફોર ઇન્ડિયા પર કટાક્ષ કરતો પોસ્ટર ભાજપ કાર્યાલયની બાજુમાં આવેલ દીવાલ પર પણ લગાડવામાં આવ્યા છે.વિવાદિત પોસ્ટરમાં નીરવ મોદી, વિજય માલ્યા, લલિત મોદી, ગૌતમ અદાણી સહિત જય શાહની તસ્વીર સાથે રન ફોર ન્યુ ઇન્ડિયા લખાયું છે.પોસ્ટરના મધ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર પણ જોવા મળે છે.સાથે આ વિવાદિત પોસ્ટરમાં બીજી તરફ વકીલ, ડોક્ટર, એન્જીનીયર, ખેડૂતની પકોડા સાથે ની તસ્વીર છે. આ પોસ્ટરો સુરત ભાજપ કાર્યાલય સિવાય યુનિવર્સિટી વાઇસ ચાન્સલર બંગલા ની સામે, ભટાર રોડ ખાતે આવેલ જોગર્સ પાર્ક સહિત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડના ગેટ પર લગાડવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન ના આગમન ને લઈ શહેરમાં ચાંપતો પોલીસ બન્દોબસ્ત મુકવામાં આવ્યો છે , તેમ છતાં કોઈ અજાણયા લોકો દ્વારા 20 થી વધુ પોસ્ટરો એક એક જગ્યાએ લગાવી દેવામાં આવ્યા અને પોલીસ ને ખબર સુધી ના પડી જે બાબત પણ રાજકીય આગેવાનોમાં ચર્ચાઈ રહ્યો છે.
