કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન: મમુઆરામાં જાહેરમાં યુવકની હત્યા
કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઇ હોય તેમ હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. આજે ભુજ તાલુકાના મમુઆરા ગામના પાટિયા નજીક આવેલી હોટેલ હસ્તિક નજીક ભરબપોરે માનકુવા ગામના ૨૭ વર્ષિય યુવાનની છરીના ઉપરા ઉપરી ઘા ઝીંકીને હત્યા કરી દેવાતાં ચકચાર મચી ગઈ છે. પધ્ધર પોલીસ ઈન્સ્પેક્ટર એ.જી. પરમાર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.
પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે જી.કે. જનરલ હોસ્પિટલ મોકલી આપી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ આજે બપોરે મૃતક એઝાઝ બલોચ બાઇક પર તેના કૌટુંબિક ભાઈ શાબાન અને મહોબત ખાનને પાછળ બેસાડી ટ્રીપલસવારી જતો હતો.
આ દરમ્યાન કોઈક કારણોસર હસ્તિક હોટેલ પાસે એઝાઝે જેવી બાઈક ઊભી રાખી કે શાબાન છરી વડે તેના પર તૂટી પડ્યો હતો. હુમલા બાદ શાબાન અને મહોબત ખાન બેઉ બાઈક લઈ ભાગી ગયા હતા.
એઝાઝને પેટ અને પીઠમાં છરીના જીવલેણ આડેધડ ઘા ઝીંકાતા ગંભીર ઈજા થવાથી તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
આરોપીઓ માનકૂવા ગામના રહેવાસી છે.
બનાવ અંગે પધ્ધર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.