ભારાપરમાં ભાણેજે માસીની જમીનના બોગસ દસ્તાવેજ બનાવ્યા
રાજ્યમાં જમીન સંબંધી કાયદાઓ વધુ કડક બનાવાયા હોવા છતાં પણ કચ્છમાં જાણે તેની ખાસ કાંઈ અસર જોવા ના મળતી હોય તેમ ભુમાફિયાઓ તેમજ લેભાગુ તત્વો બેફામ બન્યા છે..
અબડાસા તાલુકાના જખૌ ગામે આવેલી જમીન મૃત માલિકને ચોપડા પર જીવિત દર્શાવીને બારોબાર હડપ કરવામાં આવી હોવાનો બનાવ બહાર આવ્યો છે.
આ અંગે સિંગાપોરમાં રહેતા ૭૭ વર્ષિય મહેશભાઈ શાંતિલાલ મોઢ (મહેતા)એ જખૌ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના પિતા શાંતિલાલ પરસોત્તમ મોઢ જખૌમાં સર્વે નંબર ૫૫થી ખેતર ધરાવતા હતા. વર્ષોથી તેમના પિતા ભાઈઓ સહિત સિંગાપોર સ્થાયી થઈ ગયા હતા.
વર્ષ ૧૯૮૯માં તેમના પિતાનું સિંગાપોરમાં અવસાન થયું હતું અને ત્યાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પિતાના અવસાન થયાના વર્ષો બાદ એટલે કે ડિસેમ્બર ૨૦૨૪માં મહેશભાઈ જખૌમાં દેવસ્થાનના દર્શને આવ્યા હતા ત્યારે તેમણે નલિયાની મામલતદાર કચેરીમાં જઈને જમીનના દસ્તાવેજોની તપાસણી કરાવતા ખબર પડી કે તેમના પિતાની આ જમીન તો વર્ષ ૨૦૧૫માં બારોબાર વેચાઈ ગઈ છે.
જોકે આ અંગે મહેશભાઈએ જયારે વધુ તપાસ કરી ત્યારે ખબર પડી કે જખૌના પદમશી ઉકેડા નામના શખ્સને શાંતિલાલ તરીકે મામલતદાર કચેરીમાં રજૂ કરીને, તેના ફોટો તથા અંગુઠાના બોગસ નિશાનના આધારે આ જમીન ૩૦-૦૪-૨૦૧૫ના રોજ મુંબઈ રહેતા ધરમશી બચુ ભાનુશાલીએ ખરીદી લીધી હોવાની નોંધ પાડવામાં આવી છે. જેના વેચાણ દસ્તાવેજમાં સાક્ષી તરીકે
મુંબઈના કિશોર લક્ષ્મીદાસ ભાનુશાલી અને કાંતિલાલ ભચુભાઈ ભાનુશાલીએ સહી કરી છે.
આ મામલે મહેશભાઈની ફરિયાદના આધારે જખૌ પોલીસે ફોર્જરીની જુદી જુદી કલમો હેઠળ ચારેય આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભુજ તાલુકાના ભારાપરમાં ભાણેજે જ માસીની જમીનના બોગસ દસ્તાવેજો બનાવ્યા
ભુજ તાલુકાના કેરા ગામે રહેતી ૭૮ વર્ષિય વાલબાઈ કાનજીભાઈ વરસાણીએ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમની નાની બહેનના પુત્રએ કાવતરું રચીને બોગસ સોગંદનામા મારફતે વડીલોપાર્જીત જમીનને પચાવી પાડવાનો પ્રયાસ કર્યો છે.
તેમના પિતા નાથા ગોવિંદ કણબી ભારાપર ગામની સીમમાં જમીન ધરાવતા હતા.
વર્ષ ૨૦૦૬માં નાથાભાઈનું નિધન થતાં સીધી લીટીના વારસદાર તરીકે આઠ ભાઈ-બહેનના નામ ચોપડે ચઢ્યા હતા. વર્ષ ૨૦૧૨માં નાની બહેન લખીબેનનું નિધન થતાં તેની ત્રણ દીકરી અને બે પુત્રોના નામ વારસદાર તરીકે ચઢ્યાં હતા.
આ દરમિયાન વર્ષ 2022-23 માં લખીબેનના પુત્ર લાલજી નારણ હિરાણીએ ભુજના વકીલ (નોટરી) પાસે જમીનના હક્કો લાલજીભાઈ નારણભાઈ હિરાણીની તરફેણમાં જતા કરતા હોવાના વાલબાઈ, બહેન રતનબેન, વર્ષ ૨૦૧૫માં મૃત્યુ પામેલાં ભાઈ ધનજી નાથા કણબીના બનાવટી સોગંદનામા તૈયાર કરાવીને ભુજની મામલતદાર કચેરીમાં રજૂ કરીને નોંધ પડાવવા પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે લાલજી વિરુદ્ધ ગુનો નોંધીને કરી તપાસ હાથ ધરી છે.