ગામના સામાજિક અગ્રણી દ્વારા ગેરરીતિની તપાસ કરવા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કરાઈ રજુઆત
નખત્રાણા તાલુકાના રસલિયા ગામમાં રામદેવ નગરથી જેઠા પુંજા ના ઘર સુધી ગ્રામ પંચાયત દ્વારા સી.સી.રોડ નું કામ ચાલી રહ્યું છે જેમાં ભષ્ટ્રાચાર કરાયો હોવાનો ગંભીર આક્ષેપ ગામના જ સામાજિક અગ્રણી દ્વારા કરાયો છે.
આ અંગે રસલિયા ગામના સામાજિક અગ્રણી જુવાનસિંહ જીલુભા જાડેજાએ નખત્રાણા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, તા. ૧૬/૦૯/૨૦૨૫ ના રસલિયાના રામદેવ નગરથી જેઠા પુંજાના ઘર સુધી સી.સી.રોડ રસલિયા ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યો છે, જે કામમાં હલકી ગુણવત્તાનો માલ-સામાન વાપરવામાં આવ્યો છે. આ ઉપરાંત જ્યાંથી રોડ બનાવવામાં આવ્યો તે રોડની સાફ-સફાઈ કર્યા વિના ચાલીસ એમ.એમ. ની મેટલ પાથરી નાખી અને ડાયરેક્ટ સી.સી. કરવામાં આવ્યો છે, રોડની કોઈપણ પ્રકારની સફાઈ કે લેવલ કાઢવામાં આવ્યું નથી.
રોડની બંને બાજુ ઘાસ ઉગેલા છે. જેની સફાઈ ગ્રામ પંચાયત કે કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવી નથી. રોડની અંદર સી.સી.કોંક્રીટ દ્વારા કચરાને દાટી દેવામાં આવ્યો છે. રોડની બંને સાઈડ દિવાલો છે તેમ છતાં પણ સ્પષ્ટ દેખાય છે કે, સાફ-સફાઈ કર્યા વગર જ રોડ બનાવી દેવામાં આવ્યો છે.
સી સી રોડના કામમાં એસ્ટીમેન્ટ પ્રમાણે માલ વપરાયો નથી
રસલિયામાં ગ્રામ પંચાયત દ્વારા બનાવાતા સી સી રોડના કામમાં એસ્ટીમેન્ટ પ્રમાણે માલ સામાન વાપરવામાં આવ્યો નથી. સિમેન્ટની માત્રા ઓછી દેખાય છે, અને રેતી વધારે દેખાય છે. રોડ બની ગયો હોવા છતાં બંને સાઈડ ઘાસ ઉગેલું દેખાય છે.
પંચાયતના જવાબદારો દ્વારા ગ્રામજનોને અપાતા ઉડાઉ જવાબો
આ રોડ બનાવવામાં તથા બની ગયા બાદની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે તેથી ગ્રામજનોએ જરૂરી સાફ સફાઈ કરીને રોડ બનાવવા માટે ગ્રામ પંચાયતને રજુઆત કરી ત્યારે ગ્રામ પંચાયતના પદઅધિકારીઓએ એવો જવાબ આપ્યો કે, જો કચરો હશે તો રોડની મજબુતી સારી રહેશે,
જો રોડની સફાઈ કરશું તો અમને કોઈપણ હાથમાં નહીં આવે તેમજ બીલ બનાવવા માટે તાલુકા પંચાયતને પણ ૧૦ટકાનો વ્યવહાર કરવો પડશે ત્યારે જ બીલ બનશે સારા જ કામ કરશુ તો અમને શું વધશે? તેવો જવાબ ગ્રામ પંચાયતના પદાધિકારીએ આપ્યો હોવાનો આક્ષેપ અગ્રણીએ કર્યો હતો.
અગાઉ પણ રસ્તાના કામોમાં તપાસ કર્યા વિના બિલ બનાવી ચૂકવણા કરાયા હોવાનો આક્ષેપ
જુવાનસિંહ જાડેજાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રસલિયાના આ રોડમાં તેમજ અગાઉ પણ જે રોડ બન્યા છે, તેમાં પણ ભષ્ટ્રાચાર આચરાયો છે, તેમ છતાં પણ તાલુકા પંચાયત કચેરીના બાંધકામ શાખાના સુપર વાઈઝર દ્વારા રોડનું સર્ટીફિકેટ આપી અને રોડનું કામ બરાબર થયું હોવાનું લખી આપ્યું છે. આમ રસલિયા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના ભ્રષ્ટ તત્વોની મિલી ભગતથી આચરાયેલીગેરરીતિ અંગે તાત્કાલિક ધોરણે તટસ્થ તપાસ કરીને જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરાઈ છે.