ટ્રમ્પનું વલણ બદલાયું? ભારત પરના ટેરિફ ઘટાડશે, જાણો શું થશે ફાયદો
ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં લાંબા સમયથી ટેરિફ વિવાદ સૌથી મોટી અડચણ બની રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી આયાત થતા ઉત્પાદનો પર ભારે ટેક્સ લગાવ્યો હતો, જેના કારણે ભારતીય નિકાસકારોને નુકસાન થયું હતું. પરંતુ હવે રાહતની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે અમેરિકા ભારત પર લગાવેલ ૨૫ ટકા પેનલ્ટી ટેરિફને જલદી જ હટાવી શકે છે. નાગેશ્વરન અનુસાર, જો આ ટેરિફ હટી જશે તો ભારતીય સામાન પર લાગતો ટેક્સ અડધો થઈ જશે.
આટલો મોટો ટેરિફ શા માટે લાગ્યો?
વાસ્તવમાં, અમેરિકાએ શરૂઆતમાં ભારત પર ૨૫% ટેરિફ લગાવ્યો હતો. ત્યારબાદ રશિયા પાસેથી સસ્તા તેલની ખરીદીને કારણે ભારત પર વધુ ૨૫% પેનલ્ટી ટેરિફ લગાવવામાં આવ્યો. આ રીતે ભારતીય ઉત્પાદનો પર કુલ ૫૦% ટેરિફ લાગુ થઈ ગયો. તેની સીધી અસર ભારતના નિકાસ પર પડી.
નાગેશ્વરને ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ને કહ્યું, “રાજકીય પરિસ્થિતિઓને કારણે આ ટેરિફ લગાવવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરના ઘટનાક્રમોને જોતા મારો અંદાજ છે કે આ પેનલ્ટી ટેરિફ ૩૦ નવેમ્બરથી આગળ લાગુ રહેશે નહીં. મારી પાસે નક્કર પુરાવા નથી, પરંતુ વાતચીતનો માહોલ સકારાત્મક છે.”

ટેરિફ કેટલો ઘટી શકે છે?
જો અમેરિકા ૨૫% પેનલ્ટી ટેરિફ હટાવી દેશે તો તે ફરીથી ૨૫% રહેશે. સાથે જ, ભારતનો રેસિપ્રોકલ ટેરિફ પણ ઘટાડી શકાય છે. આવા સંજોગોમાં, શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંને દેશો વચ્ચેની વાતચીત બાદ કુલ ટેરિફ ઘટીને માત્ર ૧૦-૧૫% સુધી રહી જશે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
ભારત-અમેરિકા વાટાઘાટોનો નવો તબક્કો
તાજેતરમાં જ અમેરિકી પ્રતિનિધિમંડળે ભારતનો પ્રવાસ કર્યો અને દિલ્હીમાં વેપાર સંબંધિત બેઠકોમાં ભાગ લીધો. સૂત્રો અનુસાર, આ વાતચીત સકારાત્મક રહી અને આશા છે કે આવનારા મહિનાઓમાં બંને દેશો વચ્ચે વેપાર કરાર અને ટેરિફ પર મોટો નિર્ણય થઈ શકે છે.

આ ક્ષેત્રો પર અસર પડી
અમેરિકા ભારત માટે સૌથી મોટું નિકાસ બજાર છે. ટેરિફને કારણે ખાસ કરીને ટેક્સટાઇલ અને ગારમેન્ટ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ, લેધર ગુડ્સ અને સીફૂડ ક્ષેત્રોને નુકસાન વેઠવું પડ્યું છે. આ ક્ષેત્રોની નિકાસમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી અટકેલા વ્યાપારિક સંબંધોમાં હવે નરમાઈના સંકેતો મળી રહ્યા છે. જો ટેરિફ ઘટીને ૧૦-૧૫% સુધી રહી જાય તો તે ભારતીય નિકાસકારો માટે મોટી રાહત હશે અને બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો મજબૂત થઈ શકે છે.
