છેલ્લા બે દિવસથી અમદાવાદના નરોડા વિસ્તારમાં એક કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જેમાં કેટલીક યુવતિઓ પોતાના પર પોલીસ દમન થતું હોવાના અનેક વિડીયો પત્રકારો અને લોકોમાં વાયરલ કરી રહી છે. પોલીસ દ્વારા બળપ્રયોગ અને ખોટી રીતે પોતાને ફસાવવામાં આવી રહેલી કેફીયત આપતી યુવતિઓ અંગે સ્થાનિકોનું શું કહેવું છે તે જાણીએ.
રવિવારે 25 તારીખે નમિતા નામક યુવતિએ પત્રકારને કેટલાક વિડીયો મોકલ્યા. જેમાં પોલીસ સ્ટેશનમાં હોબાળો અને પોતાના પર અત્યાચાર થતા હોવાની કેફીયત સામેલ હતી. ત્યારબાદ ઝડપથી સમગ્ર શહેરમાં આ વિડીયો વાયરલ થયો કે જેના કારણે પોલીસ વિરૂધ્ધ રોષની લાગણી વ્યાપી હતી. ઘટના બાદ સ્થાનિકોએ પણ એક વિડીયો બનાવ્યો હતો. જેમાં યુવતિઓએ કહેલી આપવીતીને ખોટી અને વાહીયાત ગણાવી હતી. ઘટના સમયે સ્થાનિક આગેવાનો હાજર રહેવાનું જણાવતા સ્થાનિકોએ પણ ઘટનાનું વર્ણન કર્યું. જેમાં યુવતિઓને અણછાજતા કર્મ સાથે સંકળાયેલી જણાવ્યું. ઉપસ્થિત સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પોલીસ દ્વારા કોઈ ખોટું પગલું નહીં ભરાયું હોવાનું જણાવ્યું. એટલું જ નહીં, યુવતિઓ પોલીસ વિરૂધ્ધ ગેરવર્તન અને બિભત્સ ગાળો બોલી પોલીસને છંછેડી રહી હોવા પણ જણાવ્યું. રાજકીય રીતે આ કિસ્સાને ના ગણી પોલીસ વિરૂધ્ધ ખોટી કાર્યવાહી ના થાય તે માટેની તૈયારી દર્શાવતા સ્થાનિકોના વિડીયોમાં આંદોલનની પણ તૈયારી દર્શાવી.
હકીકતે નરોડા ખાતેની અક્ષર રેસીડેન્સી સોસાયટીના કેટલાક રહીશોએ આ યુવતિઓ વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. એક જ ફ્લેટમાં સાથે રહેતી આઠેક જેટલી યુવતિઓના ઘરે અસામાજીક પ્રવૃત્તિ ચાલતી હોવાના શંકાના આધારે પોલીસે બે ઈસમોની અટકાયત યુવતિઓના ફ્લેટમાંથી કરી હતી. જેથી રોષે ભરાઈ વિડીયો વાયરલ કરતી યુવતિઓએ પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવ્યો અને પોલીસ વિરૂદ્ધ દુષ્પ્રચાર કર્યો હોવાનું સામાજીક કાર્યકર્તા જણાવી રહ્યાં છે.
જોવા જઈએ તો, પોલીસ સ્ટેશનના સીસીટીવી ફુટેજ પણ યુવતિઓની વિરૂધ્ધના ચિત્રો છતા કરે છે. જેમાં યુવતિઓ પોલીસના શર્ટ ફાડવા થી લઈ ઉગ્ર બોલાચાલી કરી પોલીસને ઉત્તેજીત કરી રહી છે. પોલીસ મુક બની કાર્યવાહી પણ નથી કરી રહી. જેનો ફાયદો યુવતિઓ વિપરીત રીતે લઈ પોલીસને બદનામ કરી રહી છે.
આમ, જોવા જઈએ તો, છેલ્લા ત્રણેક વર્ષથી જે રીતે રાજકીય માહોલ ગરમાયો હતો., તેમાં પોલીસકર્મીઓએ પણ ગમ ખાઈ જવા પડ્યા જેવી સ્થિતી પેદા થઈ હતી. આમ પણ, ધારાસભ્ય બની ગયેલા જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરે પોલીસકર્મીઓને જે ભાષામાં તતડાવ્યા હતા, તે જોતા પોલીસ ડીમોરલાઈઝ્ડ થઈ હોવાનું પોલીસકર્મીઓની લાગણી છે. તેમાં પણ સામાન્ય યુવતિઓ દ્વારા આ પ્રકારે વગોવણી પોલીસના માનસ પર વિપરીત અસર પાડતી હોવાનું લોકોનું પણ માનવું છે.