મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી બાબત
મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમય મર્યાદા આગામી તા.૨૨ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. જેથી રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવી શકે. આજ તા. ૧૯ સપ્ટેમ્બર સુધીમાં કચ્છ જિલ્લામાં ૧૧૯૦૭ ખેડૂતોએ મગફળી માટે, ૩૫૫ ખેડૂતોએ સોયાબીન માટે, ૧૬૨ ખેડૂતોએ અડદ માટે તેમજ ૫૬ ખેડૂતોએ મગ માટે ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી છે.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોએ કરાવેલી નોંધણીમાં સર્વે નંબરનું સેટેલાઈટ ઈમેજ અને ડિજિટલ ક્રોપ સર્વે સાથે સરખામણી કરીને મગફળીના વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે. આ વેરીફીકેશન પ્રક્રિયામાં નોંધણી કરાવેલા ૧૦ ટકાથી પણ ઓછા ખેડૂતોના સર્વે નંબરમાં મગફળીનો પાક જોવા મળ્યો નથી. આવા સર્વે નંબર ધરાવતા ખેડૂતોને SMS ના માધ્યમથી જાણ કરવામાં આવી છે, પરંતુ આ મેસેજથી ખેડૂતોએ ચિંતિત થવાની જરૂર નથી.
ખેડૂતોને ખાતરી આપવામાં આવે છે કે નોંધણી દરમિયાન ખેડૂતોએ દર્શાવેલા સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, તેમ છતાં પણ આવો SMS મળ્યો હોય, તેવા ખેડૂત મિત્રોએ કોઇપણ ચિંતા કર્યા વગર વહેલામાં વહેલી તકે ગ્રામસેવકને રજૂઆત કરીને પાક અને સર્વે નંબરનું વેરીફીકેશન કરાવી લેવાનું રહેશે. જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા આવા તમામ સર્વે નંબરની યાદી ગ્રામ્ય કક્ષાએ મોકલી આપવામાં આવી છે.
આ ઉપરાંત ખેડૂત મિત્રો ગામના સર્વેયરનો સંપર્ક કરીને નોંધણીમાં દર્શાવેલ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે પણ કરાવી શકશે. ખેડૂતો પાસે પોતાના ફોનના પ્લેસ્ટોરમાંથી Digital Crop Survey-Gujarat એપ્લીકેશન ડાઉનલોડ કરીને જાતે પણ ડિજિટલ કોપ સર્વે કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. ખેડૂતો ફોનના માધ્યમથી જાતે જ ડિજિટલ ક્રોપ સર્વે કરી શકે, તે માટે બાઈસેગની વંદે ગુજરાત ચેનલ મારફત કૃષિ વિભાગ દ્વારા તાલીમ પણ આપવામાં આવેલ છે.
ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, તેનો એક જીઓ ટેગ્ડ (Geo-tagged) ફોટો લઇને પોતાના પાસે આધાર પૂરાવા તરીકે રાખવાનો અનુરોધ કરવામાં આવે છે. જે ખેડૂતોએ નોંધણી કરાવેલા સર્વે નંબરમાં મગફળીનું જ વાવેતર કર્યું હોય, તેવા ખેડૂત મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી. આવા ખેડૂતો પાસેથી ખરાઈ કર્યા બાદ જ ટેકાના ભાવે જથ્થાની ખરીદી કરવામાં આવશે. જેની કચ્છ જિલ્લાના તમામ ખેડૂતોને જાણ થવા વિનંતી છે.