વલસાડ: ડુંગરી ગામમાં અર્પણ હોસ્પિટલ પાસેની જમીનને લઈ બિલ્ડર વિનોદ પાંડે સામે કેસ, ખોટા દસ્તાવેજો બનાવી એપાર્ટમેન્ટ બાંધી દેવાયું
વલસાડમાં બિલ્ડરો બેફામ અને કાયદાને ધોળીને પી જઈ રહ્યા છે. બિલ્ડરો દ્વારા જમીન પર કબ્જો અને ખોટા દસ્તાવેજોની ફરિયાદો ઉભી થઈ રહી છે. કાયદાને ગજવામાં લઈને ફરતા આવા બિલ્ડરો સામે જમીન માલિકોએ ન્યાય મેળવવા માટે વહીવટીતંત્રના મેળાપીપણામાં કાર્યવાહી ન થતાં કોર્ટનું શરણું લેવાની નોબત આવી છે. આવીજ એક બાબત વલસાડના ડુંગરી ગામે બની જવા પામી છે.
વિગતો મુજબ પાછલા કેટલાક સમયથી ડુંગરી ગામમાં આવેલી અર્પણ હોસ્પિટલ પાસેની જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. ડુંગરી ગામનાં સિટી સર્વે નંબર-2115ની આશરે 966.25 ચોરસ મીટર જમીન પર બિલ્ડર વિનોદ શારદાપ્રસાદ પાંડેએ ખોટા દસ્તાવેજો ઉભી કરી જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ જમીન માલિક અલ્લારખુ કુરૈશીના વારસદારોએ કર્યો છે.
વારસદારોએ કોર્ટમાં કરેલી ફરિયાદ પ્રમાણે બિલ્ડર વિનોદ પાંડેએ જમીનનાં ખોટા દસ્તાવેજો ઉભા કર્યા બાદ જમીન પચાવીને ત્યાં એપાર્ટમેન્ટ તેમજ દુકાનોનું બાંધકામ કરી નાંખ્યું છે. આ ઉપરાંત જમીન પર પ્લોટ પાડીને પણ વેચાણ કરી નાખ્યું હોવાનાં આક્ષેપો કોર્ટમાં કરેલી ફરિયાદમાં કરવામાં આવ્યા છે.
વારસદારોની ફરિયાદને ગંભીરતાથી લઈ વલસાડની છઠ્ઠી એડિશનલ સિનિયર સિવિલ કોર્ટમાં રેગ્યુલર દિવાની મુકદ્દમા નંબર 50/2025 મુજબ દાવો દાખલ કરી બિલ્ડર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
વલસાડ અને તેની આજુબાજુના ગામોમાં બિલ્ડરો અને વહીવટીતંત્રનાં મેળાપીપણામા અનેક જમીનોમાં ખોટા દસ્તાવેજોની ફરિયાદ ઉઠી રહી છે. ફરિયાદીઓની વાત તંત્ર દ્વારા કાને ધરવામાં આવી રહી ન હોવાથી છેવટે ફરિયાદીઓને કોર્ટનો આશરો લેવાની ફરજ પડી રહી છે.