ગુજરાતમાં હવે મતદાર યાદી અપડેટ કરાશે, ચૂંટણીપંચે પણ તૈયારી કરી …..?
ગુજરાતમાં વર્ષ ૨૦૦૨-૨૦૨૫ની મતદારયાદી સરખાવાશે ડુપ્લિકેટ મતદારોના મુદ્દાને કોંગ્રેસ ચૂંટણી મુદ્દો બનાવી શકે છેઃ પ્રાથમિક શિક્ષકોને સૂચના અપાઈ
અમદાવાદ,: ગુજરાતમાં મતદાર યાદીમાં ડુપ્લિકેટ મતદારોને લઈને કોંગ્રેસે સવાલો ઉઠાવ્યાં છે ત્યારે ચૂંટણીપંચે પણ મતદાર યાદીને અપડેટ કરવા તૈયારીઓ આદરી છે જેને પગલે વર્ષ ૨૦૦૨ અને ૨૦૨૫ની મતદાર યાદીઓની સરખામણી કરી ભૂલો શોધી કાઢવામાં આવશે.આ સમગ્ર પ્રક્રિયા માટે મદદરુપ થનારાં ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને અત્યારથી સૂચના આપી દેવાઇ છે…..
ગુજરાતમાં મતદાર યાદી સુધારણા અભિયાનના ભાગરુપે બૂથ લેવલ ઓફિસર્સને સૂચના આપવામાં આવી છે. વર્ષ ૨૦૦૨ ઉપરાંત ૨૦૨૫ ની અંતિમ મતદાર યાદી, તેમજ એપ્રિલ અને જુલાઈ ૨૦૨૫ ની પૂરક યાદીનો ઉપયોગ કરી મતદાર યાદીની ભૂલો શોધી કાઢવામાં આવશે. આ ઉપરાંત ટેકનોલોજીનો ઉપયોગ કરીને ૨૦૦૨ ની યાદીને યુનિકોડમાં રૂપાંતરિત કરી તેનો પણ સહારો લેવાશે.
એવા આદેશ અપાયાં છેકે, જે તે ગામના બીએલઓએ વર્ષ ૨૦૦૨ની મતદારો સાથે બેઠક કરવી. આ ઉપરાંત બીએલઓએ વર્ષ ૨૦૦૨ અને વર્ષ ૨૦૨૫ની મતદાર યાદીના સામાન્ય વિભાગોને ઓળખવાના રહેશે. વર્ષ ૨૦૨૫ની મુખ્ય યાદી, પૂરક યાદીઓ ઉપરાંત નવા ઉમેરાયેલા મતદારોના નામોની પણ ચકાસણી કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ કામગીરી માટે રાજ્યના સરકારી પ્રાથમિક શિક્ષકોને સૂચનાઓ આપી દેવાઇ છે. એટલુ જ નહી, લખિતમાં પરિપત્ર જાણ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં આગામી તા.૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી બધીય કામગીરી આટોપી લેવાશે.