ICC એ મહિલા વર્લ્ડ કપ 2025નો ઓફિશિયલ થીમ સોંગ લોન્ચ કર્યો, શ્રેયા ઘોષાલના અવાજે વધાર્યો જોશ
ICC મહિલા વન-ડે વર્લ્ડ કપ 2025ની શરૂઆત 30 સપ્ટેમ્બરથી થઈ રહી છે. આ વખતે ટૂર્નામેન્ટની યજમાની ભારત અને શ્રીલંકા સાથે મળીને કરી રહ્યા છે. ક્રિકેટ ચાહકોના રોમાંચને વધુ વધારવા માટે ICCએ સત્તાવાર થીમ સોંગ “Bring It Home” રિલીઝ કર્યું છે, જે ભારતના જાણીતા ગાયિકા શ્રેયા ઘોષાલએ ગાયું છે.
આ ગીત માત્ર સંગીતથી ભરપૂર નથી, પરંતુ તેમાં મહિલા ક્રિકેટરોનો જુસ્સો, મહેનત અને સપનાઓને ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યા છે. શ્રેયા ઘોષાલે જણાવ્યું કે આ ગીતનો ભાગ બનવું તેમના માટે ગર્વની વાત છે કારણ કે તે મહિલા ક્રિકેટની આત્મા અને તાકાતની ઉજવણી કરે છે.
થીમ સોંગની ખાસિયત
આ ગીતમાં “ધડકન સે પ્રેરિત ધક-ધક, વી બ્રિંગ ઈટ હોમ” અને “પત્થર પિઘલાના હૈ, નયા ઇતિહાસ બનાના હૈ” જેવી પંક્તિઓ દ્વારા ખેલાડીઓની મહેનત અને જુસ્સાને દર્શાવવામાં આવ્યો છે. તેનો હેતુ ચાહકોને એકજૂટ કરવાનો અને રમત પ્રત્યે જુસ્સો જગાવવાનો છે. આ ટ્રેક હવે Spotify, Apple Music, Amazon Music, Jio Saavn, YouTube Music સહિત તમામ મોટા ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
ટૂર્નામેન્ટનું ફોર્મેટ
આ વખતે કુલ 8 ટીમો ટૂર્નામેન્ટમાં ભાગ લેશે – ભારત, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ. બધી ટીમો રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં એકબીજા સામે ટકરાશે અને ટોચની ચાર ટીમો નોકઆઉટ તબક્કામાં પહોંચશે. ફાઈનલ મેચ 2 નવેમ્બરે રમાશે.
ભારતનું કાર્યક્રમ
ભારત તેની પ્રથમ મેચ 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં શ્રીલંકા સામે રમશે. ત્યારબાદ 5 ઓક્ટોબરે કોલંબોમાં પાકિસ્તાન સામે હાઈ-વોલ્ટેજ મુકાબલો થશે. ટીમ 9 ઓક્ટોબરે સાઉથ આફ્રિકા અને 12 ઓક્ટોબરે હાલના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.
પછી 19 ઓક્ટોબરે ઇન્દોરમાં ઇંગ્લેન્ડ સામે, જ્યારે 23 ઓક્ટોબર અને 26 ઓક્ટોબરે નવી મુંબઈમાં અનુક્રમે ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે રમશે.
View this post on Instagram
ભારતની યજમાની
આ ચોથી વખત છે જ્યારે ભારત મહિલા વન-ડે વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. આ પહેલાં ભારતે 1978, 1997 અને 2013માં આ જવાબદારી નિભાવી હતી. આ વખતે ખાસ વાત એ છે કે ભારત શ્રીલંકા સાથે ભાગીદારીમાં ટૂર્નામેન્ટની યજમાની કરી રહ્યું છે.
ભારતીય ટીમ પર નજર
ભારતીય ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે. ટીમ યુવા અને ઊર્જાવાન ખેલાડીઓથી ભરેલી છે, જે વિશ્વની સૌથી મજબૂત ટીમોને પડકાર આપવા માટે તૈયાર છે. આ વખતે ચાહકોને ટીમ ઇન્ડિયા પાસેથી ખિતાબ જીતવાની આશાઓ છે.