ગાયક ઝુબિન ગર્ગનું નિધન, સ્કૂબા ડાઈવિંગ દરમિયાન થયો કરુણ અકસ્માત
જાણીતા ગાયક ઝુબિન ગર્ગ હવે આપણી વચ્ચે રહ્યા નથી. 52 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. પ્રાપ્ત માહિતી અનુસાર, સિંગાપોરમાં સ્કૂબા ડાઈવિંગ કરતી વખતે તેમની સાથે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ તેમને તરત જ સમુદ્રમાંથી બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરો તેમને બચાવી શક્યા નહીં.
ઝુબિન ગર્ગ આ દિવસોમાં સિંગાપોરમાં આયોજિત થનારા નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલ (19 થી 21 સપ્ટેમ્બર) માં ભાગ લેવા ગયા હતા. આ દરમિયાન જ આ દુઃખદ ઘટના બની. તેમના નિધનના સમાચારથી સમગ્ર સંગીત જગત અને તેમના ચાહકો શોકમાં છે.
બોલિવૂડ અને સંગીત જગતને મોટો આંચકો
આસામના વતની ઝુબિન ગર્ગ નોર્થ ઈસ્ટના સૌથી લોકપ્રિય ગાયકોમાંથી એક હતા. તેમણે બોલિવૂડને પણ અનેક યાદગાર ગીતો આપ્યા. વર્ષ 2006ની ફિલ્મ ‘ગેંગસ્ટર’ નું સુપરહિટ ગીત “યા અલી” તેમની ઓળખ બની ગયું હતું. તેમનો અવાજ અને સંગીત લાખો દિલોને સ્પર્શી ગયો હતો.
તેમના નિધનથી માત્ર સંગીત જગત જ નહીં પરંતુ સમગ્ર બોલિવૂડમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ચાહકો અને સેલિબ્રિટીઝ સતત તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
Deeply shocked and saddened by the untimely demise of our cultural icon Zubeen Garg.
His voice, music, and indomitable spirit inspired generations across Assam and beyond.
My heartfelt condolences to his family, fans, and loved ones.
Rest in peace, Legend 💔🙏#ZubeenGarg pic.twitter.com/A11tVpQY43
— Ripun Bora (@ripunbora) September 19, 2025
નેતાઓ અને ફેન્સે આપી શ્રદ્ધાંજલિ
કોંગ્રેસના નેતા રિપુન બોરાએ પણ ઝુબિન ગર્ગના આ અકાળે થયેલા નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે પોસ્ટ લખતા કહ્યું –
“આપણા સાંસ્કૃતિક પ્રતીક ઝુબિન ગર્ગના નિધનથી ઊંડો આઘાત લાગ્યો છે. તેમનો અવાજ, સંગીત અને હિંમતે આસામ સહિત સમગ્ર વિશ્વની પેઢીઓને પ્રેરણા આપી. ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.”
ઝુબિન ગર્ગે આસામી, હિન્દી અને બંગાળી સહિત 40 થી વધુ ભાષાઓમાં ગીતો ગાયા હતા. તેમનો અકાળે થયેલો અવસાન સંગીત જગત માટે એક મોટી ખોટ છે, જેની ભરપાઈ કરવી મુશ્કેલ છે. તેમના ગીતો હંમેશા તેમના ચાહકોના દિલમાં જીવંત રહેશે.