વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦ સપ્ટેમ્બરે ભાવનગર ખાતે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં ભાગ લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ભાવનગર ખાતે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમનું અધ્યક્ષપદ સંભાળશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ ગુજરાતને ₹૨૬ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ ₹૬૬ હજાર કરોડથી વધુના મેરિટાઇમ-શિપ બિલ્ડીંગ MoUsનું પણ લોકાર્પણ થશે.
‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ અને તેની મુખ્ય વિશેષતાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં દેશની વિકાસયાત્રાને સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં લઈ જવાનો હેતુ છે. આ પ્રસંગે, વડાપ્રધાન પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ કુલ ₹૧ લાખ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાંથી ₹૨૬,૩૫૪ કરોડના કાર્યો સીધા ગુજરાતની જનતાને લાભ પહોંચાડશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ પણ ઉપસ્થિત રહેશે.
ગુજરાત માટેના મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સ
વડાપ્રધાનગુજરાતને ₹૨૬,૩૫૪ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે. આ પ્રોજેક્ટ્સમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના કાર્યોનો સમાવેશ થાય છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય:
છારા બંદર પર ₹૪૭૦૦ કરોડના ખર્ચે નિર્મિત HPLNG LNG રિગેસિફિકેશન ટર્મિનલનું લોકાર્પણ.
વડોદરાની ગુજરાત રિફાઇનરી ખાતે ₹૫૮૯૪ કરોડના ખર્ચે નિર્મિત ઇન્ડિયન ઓઇલના એક્રેલિક/ઓક્સો-આલ્કોહોલ પ્રોજેક્ટનું લોકાર્પણ.
ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય:
સુરેન્દ્રનગરમાં ₹૧૫૦૦ કરોડના ખર્ચે નિર્મિત ૨૮૦ મેગાવોટના સોલાર પ્રોજેક્ટનું લોકાર્પણ.
રાજ્યના ૧૭ જિલ્લાઓમાં પીએમ કુસુમ યોજના હેઠળ ₹૧૬૬૦ કરોડના ખર્ચે ૪૭૫ મેગાવોટના લગભગ ૧૭૨ ડિસેન્ટ્રલાઇઝ્ડ સોલાર પાવર પ્લાન્ટ્સનું લોકાર્પણ.
કચ્છના ધોરડો ગામનું સોલરાઇઝેશન:
યુએન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠા પામેલા કચ્છના ધોરડો ગામનું ૧૦૦% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. આ ગામના તમામ રહેણાંક વીજજોડાણો ‘પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના’ હેઠળ સૌર ઊર્જા સંચાલિત બન્યા છે, જેનું પણ લોકાર્પણ વડાપ્રધાન કરશે.
ગુજરાત સરકારના વિભાગોના પ્રોજેક્ટ્સ
વડાપ્રધાન ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ ₹૨૫૨૪ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ:
ભાવનગરના પાલીતાણામાં ૪૫ મેગાવોટના સોલાર પીવી પ્રોજેક્ટનું લોકાર્પણ.
ભાવનગર, બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ લાઈનના વાયરને બદલીને મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર્સ (MVCC) લગાવવા માટેના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ:
ભાવનગરની સર તખતસિંહજી હોસ્પિટલ માટે ટીચિંગ હોસ્પિટલ અને એમસીએચ બ્લોક તેમજ જામનગરની ગુરુ ગોબિંદસિંહ સરકારી હોસ્પિટલ માટે ઓપીડી અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના બાંધકામનું ખાતમુહૂર્ત.
માર્ગ અને મકાન વિભાગ:
કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં રસ્તાઓની પહોળાઈ વધારવા અને મજબૂતીકરણના કાર્યો તેમજ રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત.
શહેરી વિકાસ અને અન્ય વિભાગો:
ભાવનગર અને જામનગરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ, રસ્તાઓ અને રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
અમરેલીના ચાંચ ગામ ખાતે ‘ચાંચ એન્ટી-સી ઇરોઝન’ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને જુનાગઢ-વંથલી પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ.