ભૂતપૂર્વ સુકાની શાહિદ આફ્રિદીની આગેવાની હેઠળની વચગાળાની પસંદગી સમિતિએ બુધવારે મોડી રાત્રે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણી માટે પાકિસ્તાનની સંભવિત ટીમની જાહેરાત કરી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCB એ 22 સભ્યોની સંભવિત ટીમની પસંદગી કરી છે, જેમાંથી 16 સભ્યોની ટીમ બીજી ટેસ્ટ દરમિયાન પસંદ કરવામાં આવશે. જો કે, કેપ્ટન બાબર આઝમને આ જાહેરાતની જાણ નહોતી, જેના કારણે તે નાખુશ છે અને તેણે કોચની સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
પાકિસ્તાનના ટેલિવિઝન સમા ટીવીના કાદિર ખ્વાજાના અહેવાલ મુજબ, બાબર આઝમ શાહિદ આફ્રિદીના નેતૃત્વ હેઠળની PCB વચગાળાની પસંદગી સમિતિ દ્વારા પસંદ કરાયેલ ODI ટીમમાં સંભવિતો વિશે કથિત રીતે અજાણ હતો. બાબરે હેડ કોચ સકલેન મુશ્તાકને પોતાની નિરાશા જણાવી હોવાનું અહેવાલ છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી 0-3થી હાર્યા બાદ પીસીબીના અધ્યક્ષ અને પસંદગી સમિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી, જેમાં આફ્રિદી અધ્યક્ષ બન્યા હતા.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે PCBની વચગાળાની પસંદગી સમિતિ દ્વારા પસંદ કરાયેલી ટીમમાં ઘણા નામ ચોંકાવનારા છે. એવા 6 ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે, જેમણે હજુ સુધી ODI સિરીઝ રમી નથી. આટલું જ નહીં, એવા બે ખેલાડીઓની પણ પસંદગી કરવામાં આવી છે, જેમણે છેલ્લા કેટલાક સમયથી ODI ઈન્ટરનેશનલ ક્રિકેટ નથી રમી, જ્યારે ફખર જમાન, ઝાહિદ મહમૂદ અને ખુશદિલ શાહને આ સંભવિત ટીમમાં જગ્યા મળી નથી. શાહીન આફ્રિદી ઈજાના કારણે બહાર છે.