દેશના સૌથી મોટા ટેકનિકલ મહોત્સવ જીટીયુ સેન્ટ્રલ ટેકફેસ્ટનું યજમાનપદ આ વખતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ અને એલ.એમ. ફાર્મસી કૉલેજને સંયુક્તપણે ફાળવવામાં આવ્યું છે. જીટીયુ સેન્ટ્રલ ટેકફેસ્ટ આગામી 14, 15 અને 16 માર્ચના રોજ આ બંને કૉલેજોમાં યોજાશે. આ ટેકફેસ્ટમાં 55 સ્પર્ધાઓ યોજાશે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)વાઇસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે પત્રકાર-મિલનમાં આ માહિતી આપતા કહ્યું હતું કે આ વર્ષે યોજાનારા સેન્ટ્રલ ટેકફેસ્ટમાં 40 ટેકનીકલ સ્પર્ધાઓ અને 15 નોન-ટેકનીકલ સ્પર્ધાઓ યોજાશે. મુખ્ય આકર્ષણોમાં રોબોટીક્સ સ્પર્ધા, ચેમ્પિયનશીપ, વર્કશોપ, તજજ્ઞો સાથે ચર્ચા, કવીઝ, વિશ્વયંત્ર જેવી વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. જેના દ્વારા વિદ્યાર્થીઓને તેઓની પ્રતિભા દર્શાવવા અને કૌશલ્યો વિકસાવવા માટે વિપુલ તકો ઊભી કરવાનું અમારૂં લક્ષ્ય છે. વિદ્યાર્થીઓમાં છુપાયેલી સર્જનાત્મક શક્તિને ખિલવીને વિશ્વ સમક્ષ દર્શાવવી એ જ શૈક્ષણિક સંસ્થાની ખરી ભૂમિકા છે. વર્ષ 2018ના ટેકફેસ્ટનું મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતા અને સ્પર્ધાત્મકતાને રાજ્યસ્તરીય મંચ પૂરૂં પાડવાનો છે.
અગાઉ દરેક ઝોનમાં એક-એક કૉલેજને યજમાનપદ અપાતું હતું, પણ આ વખતે એકથી વધારે કૉલેજોને બ્રાન્ચદીઠ યજમાનપદ ફાળવવામાં આવ્યું છે. ગુજરાતભરના વિદ્યાર્થીઓ વધુને વધુ પ્રમાણમાં તેમાં ભાગ લેતા થાય તેના માટે આ વખતે પહેલીવાર દસ કૉલેજોમાં ઝોનલ ટેકફેસ્ટ યોજાઈ રહ્યા છે. ચાલુ વર્ષથી પ્રથમવાર મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે પણ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ઝોનલ ટેકફેસ્ટમાં આ વખતે કુલ 37 સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે. ઝોનલ અને સેન્ટ્રલ ટેકફેસ્ટ માટેનું ભંડોળ પણ વધારીને રૂ. 60 લાખ કરવામાં આવ્યું છે.
સેન્ટ્રલ ટેકફેસ્ટમાં રાજ્યભરની કૉલેજોના આશરે દસ હજારથી વધારે વિદ્યાર્થીઓ સીધા સહભાગી બનશે, જ્યારે તેઓનો ઉત્સાહ વધારવા આવનારા લોકોની સંખ્યા 24 હજારથી વધુ રહેવાનો અંદાજ છે. વિવિધ સ્પર્ધાઓ માટે કુલ રૂ. ચાર લાખના ઈનામો રાખવામાં આવ્યા છે. આ ટેકનિકલ કાર્નિવલમાં કોમ્પમેનિયા અંતર્ગત કોડીંગ કૌશલ્યોને લગતી સ્પર્ધા કોડસૉ, સી લેંગ્વેજ આધારિત ક્વિઝ અને સી શેડ્યુલ ડિબગીંગ આધારિત ક્રિપ્ટોહન્ટ સ્પર્ધાઓ યોજવામાં આવશે. તે ઉપરાંત કૉમ્પ્યુટર એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ માટેની કોડલેસ, રિલે કોડીંગ અને વેબવીવર તેમજ ફોટો ફેસઑફ્ફ અને રિઈન્વેન્ટ જેવી સ્પર્ધાઓનો સમાવેશ થાય છે.