મમુઆરા પાટિયા પાસે થયેલી યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો: બે કૌટુંબિક ભાઈઓની ધરપકડ કરાઈ
ભુજ તાલુકાના મમુઆરા ગામના પાટિયા નજીક આવેલી હોટેલ હસ્તિક નજીક ગુરુવારે
ભરબપોરે માનકુવા ગામના યુવાનની છરીના ઉપરા ઉપરી ઘા ઝીંકીને હત્યા કરીને નાશી છૂટેલા કૌટુંબિક ભાઈ એવા બે આરોપીઓને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા.
ગુરુવારે બપોરે એક વાગ્યે હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં માનકુવા ગામનો મૃતક ઈઝાઝ ઈસ્માઈલ બલોચ (ઉ.વ. ૨૨) તેના બે પિતરાઈ ભાઈ સાથે બાઈક પર ભચાઉ તરફ જતો હતો, ત્યારે અચાનક બેઉ ભાઈએ ઝઘડો કર્યો હતો. તેથી ઈઝાઝે બાઈક ઊભું રાખતાં જ નૂરખાન ઊર્ફે શાબાન કાસમ બલોચે ઇઝાઝ પર છરીથી હુમલો કર્યો હતો.
હુમલા બાદ શાબાન અને મહોબતખાન અલીખાન બલોચ બેઉ જણ બાઈક લઈને નાસી છૂટ્યાં હતા.
બનાવ અંગે મોડી રાત્રે ઈઝાઝની માતા મુમતાઝબાઈએ પધ્ધર પોલીસ મથકે શાબાન અને મહોબતખાન વિરુધ્ધ હત્યાની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી.
બંને પિતરાઈ ભાઈઓ ઇઝાઝ ને તેડવા માટે ઘરે ગયા હતા
મુમતાઝબાઈએ પોલીસને જણાવ્યું હતું કે, સવારે તેના જેઠ કાસમનો પુત્ર શાબાન અને બીજા જેઠ અલીખાનનો પુત્ર મહોબ્બતખાન બંને બાઈક લઈને ઈઝાઝને ઘરે તેડવા ગયા હતા.
ત્રણે જણના નીકળ્યા બાદ માતાને જાણવા મળ્યું કે ત્રણેય જણાં કોઈકની સાથે ઝઘડો કરવા નીકળ્યાં છે.
તેથી માતાએ ઈઝાઝને ફોન કરવાનો પ્રયાસ કર્યો પણ તેણે ફોન ઉપાડ્યો નહોતો. તેથી મુમતાઝબાઈએ પતિ ઈસ્માઈલને પણ આ અંગે વાત કરતા પિતાએ પણ પુત્ર ઈઝાઝને ફોન લગાડેલો પરંતુ ઈઝાઝે ફોન ઉપાડ્યો નહોતો. સાંજે ઈઝાઝની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
પધ્ધર પોલીસે નાસી છૂટેલાં બંને પિતરાઈ ભાઈઓને ટ્રેસ કરવા જરૂરી ટેકનિકલ માહિતી એકત્ર કરીને એલસીબી અને માનકૂવા પોલીસને જાણ કરી હતી. જેના આધારે બંને આરોપીને પોલીસે ઝડપી લીધા છે.
હત્યારા શાબાન અને મહોબતખાનની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે મરણ જનાર ઈઝાઝ, શાબાન, મહોબતખાન અને સાજીદ ચારે જણ માનકૂવા રહે છે, એકમેકના સંબંધી છે અને મિત્રો છે.
ભોજન કર્યા બાદ શાબાનને ઊલ્ટી થઈ
બનાવની આગલી રાત્રે સાજીદે ત્રણેયને ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. જો કે, ભોજન કર્યા બાદ અચાનક શાબાનને ઊલટીઓ થવા લાગી હતી.તેથી શાબાનને એમ લાગ્યું કે સાજીદે મને મારી નાખવા માટે
સાજીદે પોતાને હાનિ પહોંચાડવા માટે જમવામાં કંઈક નાખ્યું હોવાનોઆવું કર્યું છે.
તેથી બીજા દિવસે સવારે આ બનાવને લઈને શાબાન ભારે રોષે ભરાયો હતો અને તેણે સાજીદને મારવાનું નક્કી કર્યું હતું.
તેણે સાજીદને ફોન કરતા સાજીદે પોતે ટ્રક લઈને અંજારના ભીમાસર આવ્યો હોવાનું કહ્યું હતું. જેથી શાબાન સાજીદને મારવા માટે ઈઝાઝ અને મહોબતખાન સાથે બાઈક પર ભીમાસર જવા નીકળ્યો હતો.
ઈઝાઝે શાબાનને સમજાવવાનો પ્રયાસ કર્યો તો તેને જ મારી નાખ્યો
બાઇક પર જતી વખતે રસ્તામાં ઈઝાઝે સાજીદને આમ મારવાનું વિચારાય નહીં તેમ કહેતા શાબાન ઈઝાઝ પર ઉશ્કેરાઈ ગયો હતો. અને તું પણ મને મારી નાખવાના પ્લાનમાં સાજીદ ભેગો સામેલ હોઈશ તેમ કહીને શાબાને ચાલતી બાઈકે ઝઘડો કર્યો હતો. તેથી રસ્તામાં ઈઝાઝે બાઈક ઊભું રાખતાં ઉશ્કેરાઈને શાબાન તેની પાસે રહેલી છરીથી ઈઝાઝ પર તૂટી પડ્યો હતો.
આ બનાવની તપાસ પધ્ધરના પોલીસ ઈન્સપેક્ટર એ. જી. પરમાર ચલાવી રહ્યાં છે.