ભુજના બસ પોર્ટ માર્ગ – એરપોર્ટ, રેલવે સ્ટેશન માર્ગ સહિતના અનેક માર્ગો જર્જરિત બન્યા : તંત્ર દ્વારા કરાતું સમારકામ પાશેરામાં પુણી સમાન
ભુજના ભષ્ટાચાર અને વહીવટની આંટીઘૂંટીમાં અગાઉથી જર્જરિત બનેલા માર્ગોની તાજેતરના વરસાદમાં ખુબ ખરાબ હાલત થઈ હતી, જેને સુધારવાનું કામ અમુક વિસ્તારોમાં શરુ કરવામાં આવ્યું છે, પરંતુ એ પાશેરામાં પુણી સમાન છે. બીજી તરફ હજુ અનેક રસ્તાઓની હાલત એટલી હદે ખરાબ છે કે વાહન ચાલકો તથા રાહદારીઓને પસાર થતા પહેલા વિચાર કરવો પડે છે.
ભુજના સતત ધમધમતાં બસ પોર્ટ, એરપોર્ટ રોડ અને રેલવે સ્ટેશન માર્ગ જર્જરિત બન્યા છે. રોડ કરતાં વધુ ડામર ઉખાડવા ઉપરાંત નાના- મોટા ખાડાઓની ભરમાર સર્જાઈ છે. આમ નાગરિકો તો દૂર પણ ખુદ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના નિવાસસ્થાનથી બાજુમાં શહેરના હાર્દ સમા જ્યુબિલી સર્કલ પર ડામર ઉખડી ગયો હોવાથી વાહનચાલકોને અકસ્માતનો ભય લાગી રહ્યો છે.
આ ઉપરાંત, ગાંધી નગરી, વાણિયાવાડ, છઠ્ઠીબારી રિંગ રોડ, અનમ રિંગ રોડ, સ્ટેશન રોડ સહિતમાં વેપાર-ધંધાને ભાંગીને વેપારીઓને શહેરના નવા વિકસતા તમામ મહત્ત્વના માર્ગો પર ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે.
બસ પોર્ટની સામે પાણીના નિકાલની લાઈનમાં વેપારીઓ દ્વારા નાખતો એંઠવાળ
ભુજના નવા બનેલા બસ પોર્ટની સામે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા વર્ષો પહેલા કરવામાં આવી છે, પરંતુ તેમાં પાણીના બદલે કચરો તેમજ એંઠવાડ નાખવામાં આવતો હોવાથી પાણીનો નિકાલ યોગ્ય રીતે થઈ શકતો નથી. જોકે પાલિકએ વેપારીઓને લાઈનમાં એંઠવાળ નાખવાની સખત મનાઈ ફરમાવી છે છતાં પણ વેપારીઓ દ્વારા એંઠવાડ નાખવામાં આવતા લાઈન છાશવારે ચોક અપ થાય છે.
મુખ્ય રસ્તાઓની સાથે આંતરિક માર્ગો પણ જર્જરિત બન્યા
શહેરનાં ન્યૂ સ્ટેશન રોડ, લાલન કોલેજથી જયનગર રોડ, આરટીઓ સર્કલ પાસે, સ્મૃતિવન પાસે, નળવાળા સર્કલની આજુબાજુના રસ્તા ઉપર હાલે ખાડા જોવા મળી રહ્યા છે. મુખ્ય રસ્તાની સાથે આંતરિક રસ્તાઓમાં લંગા શેરી, શિવ નગર, ભીડ ગેટથી રેલવે સ્ટેશન રોડ, સંજોગ નગર સહિતના માર્ગો પણ જર્જરિત બન્યા છે. તેમને રીપેર કરવાની તાતી જરૂર છે.
બસ પોર્ટ રોડ પર ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાયા
ભુજના એસટી બસ સ્ટેશન (બસ પોર્ટ) માર્ગ પર ગંદકીના ગંજ ખડકાઇ જતા હોવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે. જોકે આ મામલે અનેક વાર રજૂઆતો થઈ છતાં કોઈ પગલાં ભરાયા નથી.
વરસાદે તંત્રના ગેરંટી પિરિયડના દાવાની પોલ ખોલી નાખી હતી
નગર પાલિકા દ્વારા વરસાદની સીઝન શરૂ થવાની તૈયારીમાં હતી. ત્યારે જ ડામર રસ્તાના કામો કરાતાં તે સમયે જ આ રસ્તા વધુ સમય ટકશે નહી તેવી ભીતિ સેવાતી હતી, પરંતુ શાસકો દ્વારા બે વર્ષના ગેરંટી પિરિયડનો દાવો કરાયો હતો. જોકે, થોડા દિવસો પહેલા પડેલા વરસાદે તંત્રના ગેરંટી પિરિયડના દાવાની પોલ ખોલી નાખી હતી. હવે ધીમી ગતિએ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.