ફેસ્ટિવલ સિઝનમાં ઓનલાઇન શોપિંગનું પ્લાનિંગ કરતા હો તો, આ સરળ ટિપ્સથી બચાવી શકો છો પૈસા
એમેઝોન, ફ્લિપકાર્ટ અને મિંત્રા જેવી સાઇટ્સે તહેવારોને લઈને સેલ અને ડિસ્કાઉન્ટ શરૂ કરી દીધા છે. આ સિઝનમાં શોપિંગ કરતી વખતે થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો તે તમારા ખિસ્સા પર અસર કરી શકે છે.
તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે. આવા સમયે લોકો ધૂમ મચાવીને ઓનલાઇન શોપિંગ કરે છે. એમેઝોન, ફ્લિપકાર્ટ અને મિંત્રા જેવી સાઇટ્સે પણ તહેવારોને લઈને જબરદસ્ત સેલ અને ડિસ્કાઉન્ટ શરૂ કરી દીધા છે. જોકે, આવા સમયે થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો આ ઓનલાઇન શોપિંગ તમારા ખિસ્સા પર અસર કરી શકે છે. તો ચાલો, આજે અમે તમને જણાવીશું કે ફેસ્ટિવ સિઝનમાં ઓનલાઇન શોપિંગ કરતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
સૌથી પહેલાં બજેટ બનાવો
તહેવારોની સિઝનમાં ઓનલાઇન શોપિંગ કરતા પહેલાં તમારું બજેટ નક્કી કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે પહેલાથી જ બજેટ નક્કી કરી લેશો, તો તમે જરૂર કરતાં વધુ ખર્ચ નહીં કરો. ભેટો, સજાવટ અને અન્ય વસ્તુઓ માટે અલગ-અલગ બજેટ બનાવીને ખર્ચ પર વધુ નિયંત્રણ રાખી શકાય છે.
ઓફર્સ અને ડિસ્કાઉન્ટ પર ધ્યાન આપો
ફેસ્ટિવ સિઝનમાં દરેક ઓનલાઇન પ્લેટફોર્મ પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર હોય છે, પરંતુ દરેક ઓફર ખરેખર ફાયદાકારક નથી હોતી. તેથી સમજી-વિચારીને નક્કી કરો કે કયું પ્રોડક્ટ તમારી જરૂરિયાતનું છે અને કયું માત્ર માર્કેટિંગની ટ્રીક છે.
ઓનલાઇન અને ઓફલાઇન કિંમતની સરખામણી કરો
ઓનલાઇન શોપિંગમાં ઘણીવાર અલગ-અલગ સાઇટ્સ પર એક જ પ્રોડક્ટની કિંમત અલગ-અલગ હોય છે. ખરીદી કરતા પહેલાં બેથી ત્રણ સાઇટ્સ પર કિંમતની સરખામણી કરો. આ ઉપરાંત, તમે ઓફલાઇન સ્ટોરમાં જઈને પણ તે વસ્તુઓની કિંમત ચકાસી શકો છો, જેનાથી તમને સસ્તી ડીલ મળી શકે છે.
ક્રેડિટ કાર્ડનો સમજી-વિચારીને ઉપયોગ કરો
ઘણા લોકોને ફેસ્ટિવ સિઝનના સેલમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સરળ લાગે છે, પરંતુ જો બિલ સમયસર ન ચૂકવવામાં આવે તો વ્યાજ અને EMI નો બોજ બની શકે છે. તેથી જરૂરી છે કે ખરીદી માટે રોકડ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ જ કરો.
પ્રોડક્ટના રિવ્યૂ અને રેટિંગ્સ ચકાસો
ઓનલાઇન શોપિંગ દરમિયાન ખરીદી કરતા પહેલાં પ્રોડક્ટના રિવ્યૂ અને વેચનારના રેટિંગ્સ ચોક્કસપણે જોઈ લો. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ અને મોંઘી ભેટોમાં આ ખૂબ જ જરૂરી છે. આનાથી તમે ખરાબ પ્રોડક્ટ લેવાથી બચી શકો છો અને તમારા સમયની પણ બચત થશે.
સ્માર્ટ રીતે કરો ઓનલાઇન શોપિંગ
ઓનલાઇન શોપિંગ માટે મોબાઇલ એપ્સનો ઉપયોગ કરો. કેશબેક અને ડિસ્કાઉન્ટ ઓફર્સનો લાભ ઉઠાવો. ઇન-સ્ટોક નોટિફિકેશન અને ન્યૂઝ લેટર્સથી માહિતી મેળવતા રહો. સાથે જ, લિસ્ટ બનાવીને ખરીદી કરો અને માત્ર જરૂરી વસ્તુઓ જ ખરીદો. આનાથી ફેસ્ટિવ સિઝનમાં તમારા ખિસ્સા પર મોટી અસર નહીં થાય.