યુએસ ગોલ્ડ કાર્ડ વિઝા: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ પછી હવે ફોડ્યો વિઝા બોમ્બ! બદલ્યો H-1B વિઝા નિયમ; જાણો કોના પર થશે અસર?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ગોલ્ડ કાર્ડ’ વિઝા પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આ વિઝા મેળવવા માટે વ્યક્તિએ 1 મિલિયન ડોલર અને કંપનીએ 2 મિલિયન ડોલરની ફી ચૂકવવી પડશે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ગોલ્ડ કાર્ડ વિઝા પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અરજી કરનાર વ્યક્તિને એક મિલિયન ડોલર અને કંપનીઓને 2 મિલિયન ડોલરની ફી ચૂકવવી પડશે. ટ્રમ્પે તેને “ધ ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ” નામ આપ્યું છે અને દાવો કર્યો છે કે આ યોજનાથી અમેરિકાને અબજો ડોલરની આવક થશે.
ટ્રમ્પે તેમની ટ્રુથ સોશિયલ પોસ્ટમાં લખ્યું કે લાંબા સમયથી લાખો ગેરકાયદેસર પ્રવાસીઓ અમેરિકામાં આવીને ઇમિગ્રેશન સિસ્ટમને નબળી બનાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે ગોલ્ડ કાર્ડથી મળનારી રકમનો ઉપયોગ ટેક્સ ઘટાડવા, વિકાસ પરિયોજનાઓ આગળ વધારવા અને દેશનું દેવું ચૂકવવામાં કરવામાં આવશે. ટ્રમ્પનો અંદાજ છે કે આ પ્રોગ્રામ ટૂંક સમયમાં 100 બિલિયન ડોલરથી વધુની રકમ એકત્ર કરી લેશે.
ગ્રીન કાર્ડ અને ગોલ્ડ કાર્ડ વચ્ચેનો તફાવત
અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લૂટનિકે જણાવ્યું કે જૂના ગ્રીન કાર્ડ પ્રોગ્રામથી દર વર્ષે લગભગ 2,81,000 લોકો અમેરિકા આવતા હતા. તેમની સરેરાશ આવક લગભગ 66,000 ડોલર હતી અને તેમાંથી મોટાભાગના લોકો સરકારી સહાય પર નિર્ભર રહેતા હતા. તેનાથી વિપરીત, ગોલ્ડ કાર્ડ માત્ર શ્રીમંત અને પ્રભાવશાળી લોકોને મળશે. આ વર્ગના લોકો અમેરિકામાં નવા વ્યવસાયો શરૂ કરશે અને સ્થાનિક લોકો માટે રોજગારીની તકો ઊભી કરશે.
કોના માટે બનાવવામાં આવ્યો છે ગોલ્ડ કાર્ડ?
વ્હાઇટ હાઉસના સ્ટાફ સેક્રેટરી વિલ શાર્ફે કહ્યું કે ટ્રમ્પ પ્રશાસનનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદેસર ઇમિગ્રેશનને અટકાવવાનો અને સરહદોને સુરક્ષિત કરવાનો છે, પરંતુ ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામ વિદેશી રોકાણકારો અને પ્રતિભાશાળી લોકોને આકર્ષવાનો નવો રસ્તો બનશે. આમાં એ જ લોકોનો સમાવેશ થશે જેઓ આર્થિક અને વૈચારિક રીતે અમેરિકા સાથે ઊભા રહેશે.
અમેરિકાને ગોલ્ડ કાર્ડથી કેટલો ફાયદો થશે?
આ પ્રોગ્રામથી અમેરિકી ટ્રેઝરીને 100 બિલિયન ડોલરથી વધુની આવક થવાનો અંદાજ છે. ટેક્સ ઓછો કરવાની અને દેવું ઘટાડવાની શક્યતા વધશે. અમેરિકામાં મોટા રોકાણકારો અને કોર્પોરેશનોનો પ્રભાવ વધુ મજબૂત થશે. બીજી તરફ, સામાન્ય શ્રમિકો અને મધ્યમ વર્ગના પ્રવાસીઓ માટે અમેરિકાનો રસ્તો પહેલાં કરતાં વધુ મુશ્કેલ બની જશે.