છત્તીસગઢના કોરબા જીલ્લામાં, એકતરફી પ્રેમમાં રહેલા એક માથાભારે પ્રેમીએ કથિત રીતે યુવતીને સ્ક્રુડ્રાઈવર વડે ફટકારીને હત્યા કરી દીધી જ્યારે તેણીએ તેની સાથે વાત કરવાની ના પાડી. પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે. હત્યાના આરોપી અને મૃતક વચ્ચે મિત્રતા હતી.
રવિવારે આ અંગે માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા બંને આરોપીઓની ઓળખ શાહબાન ખાન અને તેના સહયોગી તરબેઝ ખાન તરીકે થઈ છે.
પીડિતાની ઓળખ કુસુમ પન્ના (20) તરીકે થઈ હતી, જે 24 ડિસેમ્બરે કોરબાના પમ્પ હાઉસ કોલોનીમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે કહ્યું કે આ મામલો ‘લવ ટ્રાયેન્ગલ’નો છે. પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે કુસુમે વાત કરવાની ના પાડી તો શાહબાને તેના પર સ્ક્રુડ્રાઈવર વડે હુમલો કર્યો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ પીડિતા સાથે ત્રણ વર્ષ પહેલા મિત્રતા કરી હતી અને બાદમાં તે કામ માટે અમદાવાદ (ગુજરાત) ગયો હતો. બંને થોડો સમય સંપર્કમાં રહ્યા, પરંતુ બાદમાં યુવતીએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું.
આરોપીએ પીડિતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે તેની વાત સાંભળવાની ના પાડી. પોલીસે જણાવ્યું કે આરોપીએ તેના પર સ્ક્રુડ્રાઈવર વડે હુમલો કર્યો અને તેની હત્યા કરી નાખી.
અધિકારીઓએ જણાવ્યું કે કુસુમની હત્યા કર્યા બાદ આરોપી અંબિકાપુર અને પછી નાગપુર ગયો. અન્ય આરોપી તરબેઝ ખાને મુખ્ય આરોપીને કોરબાથી ભાગવામાં મદદ કરી હતી.
એસપી સંતોષ સિંહે કહ્યું કે આ મામલાની તપાસ માટે પોલીસની ચાર ટીમો બનાવવામાં આવી છે. રાજનાંદગાંવમાં હાજર પોલીસ ટીમે રવિવારે પેસેન્જર બસોની તપાસ કરતી વખતે આરોપીની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન એવું સામે આવ્યું છે કે આરોપીઓએ મૃતક પર સ્ક્રુડ્રાઈવર વડે અનેક વાર હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી.