ગાંધીધામમાં દબાણ વિરોધી ઝુંબેશ: કમિશનરની કાર્યવાહી
ગાંધીધામ મહાનગરપાલિકામાં કમિશનર તરીકે જ્યારથી યુવા આઇ.એ.એસ.મનિષ ગુરવાનીની નિમણુંક થઇ છે ત્યારથી જ તેઓ સતત ચર્ચામાં રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી ગાંધીધામમાં દબાણોનો રાફડો ફાટ્યો હતો. જેને દુર કરવા માટે અનેકવાર રજૂઆતો કરાઇ હોવા છતાં પણ કોઇએ દબાણોને દૂર કરવામાં રસ લીધો નહોતો ત્યારે હાલમાં જ કમિશનર મનીષ ગુરવાનીએ છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીધામમાં મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરીને દબાણકારોમાં ફફડાટ ફેલાવ્યો છે.ડ્રાઇવના પ્રથમ તબક્કામાં સાઉથ વિસ્તારમાં ૧૧૩ થી વધુ દબાણો પર બુલડોઝર ફેરવ્યા બાદ હવે સાઉથ વિસ્તારના ૨૨૦ જેટલા દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી છે.
શિવ મંદિરથી ચાવલા ચોક સુધી કરાયું માર્કિંગ
મેગા ડિમોલિશન ડ્રાઇવના બીજા તબક્કામાં શિવમંદિર પાસેથી ચાવલા ચોકથી આગળ માર્કિંગ કરીને દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી રહી છે. સાઉથ અને નોર્થમાં ૨૨૦ થી વધુ દબાણકર્તાઓને નોટિસ ફટકારીને દબાણો દૂર કરવાનું કહેવાતાં જ કેટલાકલોકોએ સ્વેચ્છાએ જ પોતાના દબાણોને દૂરકરવાનું શરૂ કરી નાખ્યું છે.
જ્યાં પાર્કિંગ પ્લોટ બનવાનો છે ત્યાંથી પણ દબાણો દૂર કરાયા
સાઉથમાં સરદાર વલ્લભભાઇ પટેલ સર્કલથી લઇને જવાહર ચોક સુધી મુખ્ય બજારની આર્કેડ અને તેની પાછળ કે જ્યાં પાર્કિંગ પ્લોટ બનાવના છે તે માર્ગ ઉપરના દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અંદાજીત ૨૫૦ કરતાં પણ વધારે દબાણોને દુર કરવામાં આવ્યા છે. જોકે કેટલાક લોકો સ્વેચ્છાએ પોતાની બિલ્ડીંગોના દબાણો દુર કરી રહ્યા છે.
બીજા તબક્કામાં નોર્થ વિસ્તારમાં મુખ્યબજારની પાછળના ભાગે આવેલારસ્તા પર મહાનગરપાલિકા, ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી,સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દબાણો પર માર્કિંગ કરીને નોટિસો ફટકારવામાં આવી રહી છે.
જો નોટિસની સમયમર્યાદામાં દબાણો દુર કરવામાં નહીં આવે તો તો મહાનગરપાલિકા દ્વારા પોલીસની ચુસ્ત બંદોબસ્તની સાથે દબાણો પર કાર્યવાહી કરશે.
શહેરના ચાવલા ચોક સહિતના દબાણોમાં મોટી બિલ્ડિંગો બની ગઇ છે તેના કારણે રેલવે કોલોની તરફ જતો માર્ગ સાંકડો થઇ ગયો છે. ગાંધી માર્કેટ સુધી પણ આ જ પરિસ્થિતિ સર્જાઇ છે. તેથી તંત્ર દ્વારા કાર્યવાહી કરીને માર્ગને મુળ અવસ્થામાં લાવવો જરૂરી છે.
અમુક વિસ્તારોમાં એસ.આર.સી.પાસે.જમીન મગાઈ
નોર્થ-સાઉથ સહિત મુખ્ય બજારના દબાણો પર મહાપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, આ દરમ્યાન કેટલાક સ્થળોએ એસઆરસી પાસે વધારાની જમીન માગી છે તેવા મુદ્દાઓ પણ ચર્ચાઇ રહ્યા છે. જોકે તેમાં હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેના પરિણામે મુશ્કેલીઓ સર્જાઇ રહી છે. હકીકતમાં સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા જે લોકોએ જમીન માંગી હોય તેમને જમીન આપવાની
હોય તો તે મુજબ અથવા તો જમીન ન આપવાની હોય તો તે મુજબની કાર્યવાહી થવી જોઇએ.
જે અત્યાર સુધી કરવામાં આવી નથી.તેના પરિણામે મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
તેથી એસ.આર.સી. દ્વારા આ મુદ્દે નિર્ણય લઇને તાત્કાલિક પગલાં ભરવામાં આવે તો શહેરીજનો તથા મહાપાલિકા બંન્નેની મુશ્કેલીઓ દુર થઇ શકે તેમ છે.
મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં શું કાર્યવાહી કરાઇ
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી મેગા ડિમોલીશન ડ્રાઇવના પ્રથમ તબક્કામાં પ્રથમ દિવસે ૧૧૩ દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા. બાદમાં બીજા દિવસે પણ ભારે વિરોધ વચ્ચે કામગીરી ચાલુ રહી હતી. જેમાં બીજા દિવસે નડતરરૂપ ૯૨ જેટલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
યુવા કમિશનર અગાઉ ભુજના એસ.ડી.એમ.તરીકે ફરજ બજાવી ચુક્યા છે
વર્ષ ૨૦૧૪ની બેચના ગુજરાત કેડરના આઈ.એ.એસ.મનિષ ગુરવાની કે જેઓ હાલમાં ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ તેમના પ્રોબેશન કાળમાં ભુજમાં એસ.ડી.એમ.તરીકે રહી ચુક્યા છે. ભુજમાં પણ તેમણે દબાણો દુર કરવા માટે મહત્વની કામગીરી કરી હતી જેઓ ગાંધીધામમાં કમિશનર તરીકે મુકાયા ત્યારથી જ સતત ચર્ચામાં રહ્યા છે.