દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડી અને કોલ્ડવેવની ઝપેટમાં છે. આ સમયે દિલ્હી હિલ સ્ટેશનો કરતા પણ ઠંડુ થઈ ગયું છે. ગુરુવારે, દિલ્હીનું લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસ પર આવી ગયું હતું, જ્યારે ત્રણ સ્થળોએ તે 2.2 થી 2.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગુરુવારે ડેલહાઉસીમાં 4.9 ડિગ્રી સેલ્સિયસ, ધરમશાલામાં 5.2 ડિગ્રી સેલ્સિયસ, કાંગડામાં 3.2 ડિગ્રી સેલ્સિયસ, શિમલામાં 3.7 ડિગ્રી સેલ્સિયસ, દહેરાદૂનમાં 4.6 ડિગ્રી સેલ્સિયસ, મસૂરીમાં 4.4 ડિગ્રી સેલ્સિયસ અને નૈનિતાલમાં 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 થી 7 જાન્યુઆરી સુધીના ત્રણ દિવસ સુધી રાજધાનીના કેટલાક વિસ્તારોમાં કોલ્ડવેવનો પ્રકોપ ચાલુ રહી શકે છે. આ દરમિયાન લઘુત્તમ તાપમાન 4 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. શીત લહેર સાથે ધુમ્મસ પણ પરેશાન કરશે. હવામાન વિભાગે 5 થી 7 જાન્યુઆરી વચ્ચે ધુમ્મસ અને કોલ્ડવેવ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર પંજાબના ભટિંડા શહેરમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભટિંડાના એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે, ભટિંડામાં ઘણું ધુમ્મસ છે. લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાષ્ટ્રીય રાજધાનીમાં વધતી જતી ઠંડીને કારણે રાય કાલે ખાન રેલ્વે સ્ટેશન પાસે બેઘર લોકો માટે એક શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે. દિલ્હી અર્બન શેલ્ટર ઇમ્પ્રૂવમેન્ટ બોર્ડના સભ્ય વિપિન રાયે જણાવ્યું હતું કે, “અમારી પાસે 197 કાયમી આશ્રય ગૃહો છે. શિયાળા દરમિયાન, અમે દિલ્હીમાં લગભગ 250 ટેન્ટ લગાવીએ છીએ. હવે અમારી પાસે 190 કાર્યાત્મક તંબુ છે અને 50 સ્ટેન્ડબાય મોડમાં છે. ગાદલા અને ધાબળા ઉપરાંત, અમે રહેવાસીઓને દિવસમાં 3 ભોજન પણ આપીએ છીએ.
હવામાન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આગામી 24 થી 48 કલાક સુધી કોલ્ડ વેવ અને ઠંડા દિવસની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે. આ પછી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ થોડો સુધારો જોવા મળશે. આ માટે યલો એલર્ટ પણ ચાલુ છે.
સ્કાયમેટ વેધરના વાઈસ પ્રેસિડેન્ટ (હવામાન વિજ્ઞાન અને ક્લાઈમેટ ચેન્જ) મહેશ પલાવતે જણાવ્યું કે, નવા વર્ષ સુધી પહાડોમાં જે હિમવર્ષા થઈ છે, ઉત્તર પશ્ચિમી પવનોથી દિલ્હીમાં ઠંડી પડી રહી છે. હજુ બે દિવસ એ જ ઠંડીનું મોજું અને ઠંડા દિવસની સ્થિતિ યથાવત રહેશે. આ પછી ચાર-પાંચ દિવસ સુધી રાહત રહેશે અને તાપમાનમાં થોડો વધારો થશે.