કચ્છ-ભૂજમાં મોટાપાયા પર બોક્સાઈટનું બેરોકટોક ખનન, ખનીજ માફિયાઓ બન્યા બેફામ, મોટા માથાઓની સંડોવણીની આશંકા
કચ્છ-ભૂજમાં મોટાપાયા પર ખનીજ ખનનની ફરિયાદો સતત ઉઠતી રહી છે, ગુજરાત સરકારે બોક્સાઈટના ખનન માટેની નીતિમાં ફેરફાર કર્યા બાદ કચ્છ-ભૂજમાં માંડવી, લખપત, અંજારથી લઈ છેક અબડાસા સુધી ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને કરોડો રુપિયાની બોક્સાઈટ જેવા અમૂલ્ય મનાતા ખનીજનું ખનન કરી ચોરી કરાતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
કચ્છ-ભૂજમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બોક્સાઈટનો મોટો ખેલ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારે 2024માં બોક્સાઈટ ખનનની નીતિમાં ફેરફાર કર્યો ત્યારથી લઈ આજદિન સુધી ભૂસ્તર વિભાગ અને ખાણ-ખનીજ વિભાગે અનેકવાર બોક્સાઈટ ચોરીના કેસો કર્યા છે પરંતુ આ કેસો બાદ પણ ખનીજ માફિયા જંપ્યા હોવાનું જણાતું નથી. એવું ચર્ચાય છે કે રાજકીય નેતાઓની ઓથ અને મોટા માથાઓનાં દોરી સંચારથી બોક્સાઈટનો વેપલો કરવામાં આવી રહ્યો છે.
આ પહેલાં બોક્સાઈટ પર જીએમડીસીની મોનોપોલી હતી. જીએમડીસી વિના કોઈ પણ બોક્સાઈટને ખોદી કે વેચી શકતો ન હતો. સરકારી કે ખાનગી જમીનમાં પણ બોક્સાઈટ હોય તો જીએમડીસીની મંજુરીની રાહે બોક્સાઈટનું ખનન કરવાનું રહેતું હતું. પરંતુ 2004માં ગુજરાત સરકારે જીએમડીસીની મોનોપોલી હટાવી ગાંધીનગરની મંજુરી સાથે બોક્સાઈટનું ખોદકામ અને લીલામી સાથે તેનું વેચાણ કરવાની નીતિ અપનાવી છે. આના કારણે સમગ્ર પંથકની જમીનના ભાવો પણ ઉછાળો આવ્યો અને ત્યાર બાદ બોક્સાઈટ ચોરીનાં કેસોમાં પણ ઉછાળો આવ્યો હોવાની ફરિયાદો છેક ગાંધીનગર સુધી કરવામાં આવી છે.
માહિતી મુજબ કચ્છ-ભૂજનાં સમગ્ર પંથકમાં આશરે 10 હજાર કરોડથીની કિંમતનો મનાતો 4,24 કરોડ ટન બોક્સાઈટનો બોક્સાઈટનો જથ્થો જમીનમાં સંગ્રહિત થયેલો છે.
વિસ્તારની દ્રષ્ટ્રીએ સૌથી મોટા જિલ્લા કચ્છમાં ખનીજ વિપુલ માત્રામાં છે. પરંતુ સરકારી તિજોરીને માલામાલ કરતા કિંમતી ખનીજ પર ખનીજ માફીયાઓની વાંકી દ્રષ્ટિ પડી છે. પાછલા વર્ષમાં બોક્સાઈટ ચોરીનાં 700થી વધુ મામલાઓ સામે આવ્યા છે. પરંતુ આટલી મોટી માત્રામાં ખનીજ ચોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા બાદ પણ તંત્રની ઉંઘ ઉડી હોય એવું જણાતું નથી. કચ્છના કિંમતી ખનીજ અને સરકારી ખજાનાને નુકસાન કરતા મામલામાં ઉંડાણપુર્વકની તપાસ થાય અનેક માફિયાઓની કરતુતોનો પર્દાફાશ થવાની શક્યતા રહેલી છે.
બોક્સાઈટનો ઉપયોગ શા માટે થાય છે અને તે કિંમતી કેમ છે?
ઍલ્યુમિનિયમ ધાતુ માટેનું મુખ્ય ખનીજ બોક્સાઈટ છે. 70%થી 80% બોક્સાઇટ ખનીજને પ્રથમ ઍલ્યુમિનામાં પરિવર્તિત કરવામાં આવે છે. ઍલ્યુમિનાના દ્રાવણને વિદ્યુત વિચ્છેદન (Elecrtolysis) પ્રક્રિયા દ્વારા ઍલ્યુમિનિયમ ધાતુનું ઉત્પાદન કરવામાં આવે છે. કુદરતમાં બોક્સાઈટ પાણી(H2O)ના ભિન્ન ભિન્ન સંયોજિત પ્રમાણ સાથે બોહેમાઇટ અથવા ડાયાસ્પોર [Al2O3·H2O અથવા AlO(OH)] અને ગિબ્સાઇટ અથવા હાઇડ્રાર્જિલાઇટ [Al2O3·3H2O અથવા Al(OH)3] સ્વરૂપે પણ મળે છે.
પૃથ્વીના પેટાળમાં વિપુલતાની દૃષ્ટિએ ઍલ્યુમિનિયમ ત્રીજા ક્રમે આવતું તત્વ હોવા છતાં તે સંયોજન રૂપે જ મળે છે અને બોક્સાઇટ એકમાત્ર એવું ખનીજ છે જે આ ધાતુ માટે વ્યાપારી ધોરણે ખનનયોગ્ય બની રહે છે. બોક્સાઇટ ખનીજો પૈકી કેટલાંક સોફ્ટ, સહેલાઈથી ભૂકો થઈ જાય તેવાં તથા બંધારણરહિત હોય છે. તો કેટલાંક મજબૂત, સખત અને દાણાદાર હોય છે. જુદી જુદી જગ્યાએથી મળતા અને વિભિન્ન દેખાવના બૉક્સાઇટ લેટરાઇટ અને ટેરારોઝા પ્રકારનાં હોય છે.બંને પ્રકારનાં ખનિજોમાં ગુલાબી, ક્રીમ, લાલ, કથ્થાઈ, પીળો અને રાખોડી એમ જુદા જુદા રંગ જોવા મળે છે. ખનિજના આ રંગનું વૈવિધ્ય તેમાં રહેલી ઍલ્યુમિનિયમ સિવાયની અન્ય ધાતુઓ ઉપર આધાર રાખે છે.
બોક્સાઈટનો ઉપયોગ
90% બોક્સાઇટ ઍલ્યુમિનિયમ ધાતુપ્રાપ્તિ માટે અને 10% રાસાયણિક ઉદ્યોગો, ઘર્ષકો, અગ્નિરોધકો અને ક્ષારો તેમજ તેલ-શુદ્ધીકરણ પ્રક્રિયામાં વપરાય છે. કુદરતી રીતે મળતા બૉક્સાઇટમાં જરૂરી Al2O3 ઉપરાંત Fe2O3, SiO2, TiO2 જેવા ઑક્સાઇડ સ્વરૂપે તેમજ હેલોયસાઇટ, કેઑલિનાઇટ જેવાં ખનિજ સ્વરૂપે ઓછાવત્તા પ્રમાણમાં અશુદ્ધિઓ રહેલી હોઈ શકે છે; તેથી અશુદ્ધિઓના પ્રમાણ મુજબ તે ટાઇટેનિયમ, વેનેડિયમ, કોલંબિયમ વગેરે જેવી આડપેદાશોની પ્રાપ્તિ માટે પણ ઉપયોગી બની રહે છે.