ગુજરાતનું નળ સરોવર અને થોળ બન્યા પક્ષીઓના મહાકુંભ સ્થળ: યાયાવર પક્ષીઓની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો.
ગુજરાતમાં 18 થી 20 લાખની પક્ષી વસ્તી સાથે ‘પક્ષી જીવન’ માટે સમગ્ર દેશમાં સ્વર્ગ તરીકે ઉભરી આવ્યું છે.
વૈશ્વિક પક્ષીઓના આવાગમન માટે દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 456 પક્ષી પ્રજાતિઓની વિવિધતા નોંધાઈ છે. જયારે સરહદી કચ્છ જિલ્લામાં 161 પ્રજાતિઓના 4.56 લાખ જેટલા પક્ષીઓ જોવા મળ્યા છે. જામનગર વિવિધ 221 પ્રજાતિઓની સાથે 4 લાખથી વધુ પક્ષીઓની સંખ્યા ધરાવે છે.
મહેસાણા, બનાસકાંઠા તેમજ અમદાવાદ એ પક્ષી જગતમાં નોંધપાત્ર ફાળો આપે છે જે ગુજરાત માટે પક્ષી જીવનનો અતુલ્ય વારસો દર્શાવે છે.
ગુજરાતમાં સ્થિત નળ સરોવર, નડા બેટ, બોરીયા બેટ, થોળ વગેરે જેવા સ્થળો અંદાજે 50 હજારથી પણ વધુ સ્થાનિકો તથા યાયાવર એટલે કે વિદેશી પક્ષીઓના ‘હોટસ્પોટ’ તરીકે જાણીતા થયા છે.
3.65 લાખથી વધુ પક્ષીઓની વસ્તી સાથે 250થી વધુ વિવિધ પ્રજાતિઓ હોવાનું ગૌરવ અમદાવાદ ધરાવે છે. સરહદી એવા નડા બેટ વેટલેન્ડ કોમ્પ્લેક્સમાં એક લાખ કરતા વધુ પક્ષીઓ વસે છે.
‘રામસર સાઈટ’ કચ્છના છારી ઢંઢની કુલ 22,700 હેક્ટર જમીનમાં 150થી વધુ પ્રજાતિઓના 30 હજાર પક્ષીઓ છે.
પોરબંદરમાં આવેલી મોકરસાગર ‘રામસર સાઈટ’ 100 પ્રજાતિઓના અંદાજે 30,000 પક્ષીઓનું નિવાસ્થાન બન્યું છે.
વર્ષ 2010માં થોળ પક્ષી અભયારણ્યમાં 31,380 પક્ષીઓનું આગમન થયું હતું જે વર્ષ ૨૦૨૪માં વધીને 1.11 લાખથી વધુ યાયાવર પક્ષીઓનું આગમન થયું છે. જ્યારે, પક્ષીઓના ‘હોટસ્પોટ’ એવા નળ સરોવર ખાતે વર્ષ 2010માં 1.31 લાખથી વધુ યાયાવર પક્ષી નોંધાયા હતા જ્યારે વર્ષ 2024માં 3.62 લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે. છેલ્લા 14 વર્ષમાં થોળ અને નળસરોવર પક્ષી અભયારણ્યમાં જળ પ્લાવિત વિસ્તારના યાયાવર પક્ષીઓનું અનુક્રમે 355 અને 276 ટકાનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત ખીજડિયામાં પક્ષી અભ્યારણમાં 1.50 લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે.