ગાંધીધામ શહેરના 400 ક્વાર્ટર વિસ્તારમાં 50થી વધુ દબાણો ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફર્યું
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ગેરકાયદેસરના દબાણ ઉપર જોરદાર કામગીરી કરવામાં આવી રહી છે..
શહેરની મુખ્ય બજારમાં કાર્યવાહી બાદ નોટિસો આપ્યા પછી હવે 400 કવાર્ટર વિસ્તારમાં 50થી વધુ પાકા દબાણ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.
400 ક્વાર્ટરમાં મુખ્ય ગટર લાઈન ઉપર મોટા પાયે દબાણો થઈ ગયા હતાં તેના કારણે સમસ્યા ગંભીર બની હતી.તેથી મહાપાલિકા દ્વારા તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
દબાણકારોને ત્રણ મહિના અગાઉ નોટિસ પાઠવાઈ હતી
ગાંધીધામમાં દબાણકારોને મહાનગરપાલિકા દ્વારા ત્રણ મહિના પહેલાં નોટિસો પાઠવવામાં આવી હતી.જોકે તેમ છતાં દબાણો દૂર નહીં થતાં હવે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના 400 ક્વાર્ટરમાં તંત્રએ કાર્યવાહી કરી છે, ત્યાં રોડ તથા વાહન પાર્કિંગ માટે અંદાજિત 80 ફૂટની આસપાસ જગ્યા હતી. તેની ઉપર દબાણ કરી લેવામાં આવ્યાં હતાં અને રોડ માત્ર 20થી 30 ફૂટ જ બચ્યો હતો એટલી હદે દબાણ થઈ ગયું હતું.
મુખ્ય ગટર લાઈન પર પણ કરવામાં દબાણો
શહેરના 400 ક્વાર્ટર વિસ્તારમાં મુખ્ય ગટર લાઈન ઉપર દબાણ કરી લેવામાં આવ્યાં હતાં, જેના કારણે આ વિસ્તારમાં ગટરની સમસ્યા ગંભીર બની હતી અને લોકો હેરાન થઈ રહ્યા હતા. તત્કાલીન સમયના કમિશનર વખતે નોટિસો આપી હતી કે પછી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
કેટલાક વિસ્તારોમાં તો કુદરતી આફતો વખતે રાહત બચાવનું કાર્ય પણ થઈ શકે તેમ નથી
શહેરમાં ટ્રાફિક અને અન્ય સમસ્યાઓ હળવી કરવા માટે દબાણ ઉપર કાર્યવાહી હાથ ધરી છે અને તેનાં પગલે 400 ક્વાર્ટરમાં 50થી વધુ દબાણ દૂર કર્યાં છે. બંને શહેરોમાં કેટલાક વિસ્તારો એવા છે કે, જ્યાં કુદરતી આફતો સમયે રાહત બચાવનું કાર્ય કરવાનું થાય તો તે થઈ શકે તેમ નથી, કોઈ મોટા વાહન જઈ શકે તેમ નથી, ગટરની તેમજ પાણીની લાઈનો ઉપર દબાણ છે.
દબાણોના કારણે માર્ગો પણ સાવ સાંકડા થઈ ગયા છે. આવી સ્થિતિમાં સમસ્યાઓ હલ કરવી મુશ્કેલ છે અને એટલા માટે જ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહી શરૂ કરી છે.
દુકાનોની આગળ વેપારીઓ દ્વારા કરાયેલા ઓટલારૂપી દબાણ તોડી પડયા
આર્કેડમાં દુકાનોની આગળ ઓટલા બનાવવામાં આવ્યા છે
મહાનગરપાલિકા દ્વારા આર્કેડમાં દબાણોની સાથે દુકાનદારોએ પોતાની દુકાન આગળ બનાવેલા ઓટલા પણ તોડવામાં આવ્યા છે ઓટલાઓના કારણે આર્કેડમાં પગપાળા ચાલવું મુશ્કેલ હોય છે, જેના પગલે મહાનગરપાલિકાએ એક ઓટલાઓનું માપ નક્કી કર્યું હતું, પરંતુ તેમાં વેપારીઓ વચ્ચે મતમતાંતર સર્જાતા નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલભાઈએ મુખ્ય બજારમાં જઈને વેપારીઓ સાથે ચર્ચાઓ કરી હતી, પણ સહમતી ન સધાતા હવે જીડીએ, નગર નિયોજક અને મહાનગરપાલિકાની એન્જિનીયારિંગ ટીમ દ્વારા પ્લીન્થ લેવલથી એક માપ સાઈઝ નક્કી કરવામાં આવશે અને તેનો રિપોર્ટ કમિશનરને સોંપવામાં આવશે ત્યાર બાદ ઓટલાઓની સાઇઝ નક્કી કરવામાં આવશે.