હાજીપીર થી જખૌ જઈ રહેલો ખાનગી કંપનીનો ટ્રક ધડાકાભેર અથડાતાં નેત્રા ગામનો ઐતિહાસિક પ્રવેશદ્વાર તુટ્યો
આર્ચિયન કંપનીના મીઠાના લોડિંગ માટેનું હટાચી મશીન લઇને હાજીપીરથી જખૌ તરફ જઇ રહેલા ટ્રકના ચાલકે ટ્રકને નેત્રા ગામના પ્રવેશદ્વાર સાથે અથડાવતાં પ્રવેશદ્વાર તુટી પડ્યો હતો. જોકે આ સદનસિબે બનાવમાં કોઇ જાનહાનિ સર્જાઈ નહોતી.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર નખત્રાણા તાલુકાના નેત્રા ગામમાં રાત્રે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. નેત્રા ગામનો પ્રવેશદ્વાર વર્ષ ૧૯૮૯માં સાખલા પરિવાર દ્વારા તેમના વડીલોની યાદમાં બનાવી આપવામાં આવ્યો હતો.
ટ્રક દ્વારા સર્જાયેલા અકસ્માતમાં પ્રવેશદ્વારનો ઉપરનો ભાગ તુટીને જમીનદોસ્ત બની ગયો છે. જોકે સદનસિબે કોઈ જાનહાનિ થઇ નહોતી.
અત્રે નોંધનીય છે કે, હાલમાં નવરાત્રિના પગલે માતાના મઢ જઇ રહેલા પદયાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે લખપત હાઇવે ભારે વાહનો માટે બંધ છે. જેના પરિણામે માલવાહક વાહનોના ચાલકો ગ્રામ્ય વિસ્તારના માર્ગોનો ઉપયોગ કરી રહ્યા છે. રસ્તાની કામગીરીના પગલે ઉંચા થયેલા માર્ગ પર વાહનો પ્રવેશદ્વારમાં અથડાવાની સમસ્યા અવાર-નવાર સર્જાતી રહે છે.
વેપારીઓના માલ-સામાન લાવતા ભારે વાહનો બહાર ઉભા રહે છે
નેત્રામાં અનેક દુકાનો આવેલી છે તે પૈકીના કેટલાક વેપારીઓનો માલ સામાન ભારે વાહનો મારફતે આવતો હોય છે. જોકે તેઓ ભારે વાહનો ગામની બહાર ઉભા રાખીને છકડા કે રિક્ષા મારફતે ગામની અંદર દુકાન સુધી પહોંચાડતા હોય છે, ત્યારે આ હિટાચી મશીનવાહક ટ્રક ગામમાં પ્રવેશતાં જ પ્રવેશદ્વાર સાથે અથડાતા પ્રવેશદ્વાર તુટી પડ્યો હતો.