ગાંધીધામમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ: બે વાહનો સહિત ₹59 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.
પૂર્વ-કચ્છ ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ ગાંધીધામ તાલુકાના પડાણા ગામની સીમમાં પ્રોહીબીશનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે આસ્થા સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝની પાછળ મીઠાના અગરો પાસે ખુલ્લી જગ્યામાં દારૂનો કટિંગ ચાલી રહ્યો હતો. દરમિયાન પોલીસે ₹24,64,080ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો.
જેમાં 750 મિલીની 360 બોટલો, 375 મિલીની 1,645 બોટલો, 180 મિલીની 3,456 બોટલો અને 500 મિલીના 1,176 બિયર ટીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પોલીસે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ ટેન્કર અને સ્કોર્પિયો કાર સહિત કુલ ₹59,64,080નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ કેસમાં પોલીસે વિશાલ ધરમશીભાઈ મ્યાત્રા, મુકેશ ખીમજીભાઈ હુંબલ તેમજ ટેન્કરના ચાલક/માલિક અને સ્કોર્પિયોના ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.