GST 2.0: સામાન્ય માણસને ફાયદો, પણ આ વસ્તુઓના ભાવ ના બદલાયા, જાણો કેમ?
ભારત સરકારે જીએસટી 2.0 ના સુધારા લાગુ કર્યા છે. 22 સપ્ટેમ્બર, 2025 થી લાગુ થયેલા આ નવા દરને કારણે કેટલીક વસ્તુઓ સસ્તી થઈ છે, તો કેટલીકના ભાવમાં વધારો થયો છે. જોકે, ઘણી વસ્તુઓ એવી છે જેના પરના જીએસટી દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, અને તેમના ભાવ પહેલાં જેટલા જ રહ્યા છે.
આ વસ્તુઓમાં સૌથી મુખ્ય છે સ્માર્ટફોન અને લેપટોપ. મોબાઇલ ફોન પર પહેલાં પણ 18% જીએસટી લાગતો હતો અને હવે પણ તે જ દર લાગુ રહેશે. એટલે કે, ગ્રાહકોને સ્માર્ટફોન ખરીદવા પર કોઈ કિંમતનો લાભ મળશે નહીં. લેપટોપ અને વોશિંગ મશીન પર પણ 18% જીએસટી યથાવત રાખવામાં આવ્યો છે.
મોબાઇલ અને લેપટોપના ભાવ કેમ ન ઘટ્યા?
જીએસટી 2.0 માં મોબાઇલ અને લેપટોપના ભાવ ન ઘટાડવાનું મુખ્ય કારણ એ છે કે આ વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓ પહેલેથી જ પ્રોડક્શન ઇન્સેન્ટિવ સ્કીમ (PLI) નો લાભ લઈ રહી છે. આ યોજનાને કારણે તેમને ઉત્પાદન પર પ્રોત્સાહન મળે છે. તેથી, આયાત ખર્ચને સમાયોજિત કર્યા બાદ પણ તેમને 18% ના સ્લેબમાં રાખવામાં આવે છે. જો સરકાર આના પર વધુ ટેક્સ ઘટાડે, તો તે સરકાર માટે નુકસાનકારક સોદો બની શકે છે.
અન્ય વસ્તુઓ પર જીએસટી
જીએસટી 2.0 માં એવી વસ્તુઓની કિંમતો ઓછી કરવામાં આવી છે, જેનો સામાન્ય માણસ રોજિંદા જીવનમાં ઉપયોગ કરે છે, જેમ કે બ્રેડ, બટર, દૂધ, ઘી અને અન્ય ઘણી વસ્તુઓ. ટીવી અને એર કન્ડિશનર જેવા ઇલેક્ટ્રોનિક્સ પર પણ છૂટ આપવામાં આવી છે.
જોકે, સોના અને ચાંદી પર લાગતા જીએસટીના દરમાં પણ કોઈ ફેરફાર થયો નથી. સોના અને ચાંદીની ખરીદી પર 3% જીએસટી અને મેકિંગ ચાર્જ પર 5% જીએસટી યથાવત રાખવામાં આવ્યો છે.
આનો અર્થ એ છે કે તહેવારોના દિવસોમાં ભલે સ્માર્ટફોન અને લેપટોપના ભાવ ન ઘટ્યા હોય, પણ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે જુદા જુદા ઓફર કે ડિસ્કાઉન્ટ આપી શકે છે.