ભુજની જનરલ હોસ્પિટલના પૂર્વ ઈન્ચાર્જ વહીવટી અધિકારીને ફરજ પરથી બરતરફ કરાયા
ગાંધીધામના સરકારી હોસ્પિટલના પૂર્વ હેડક્લાર્ક અને જનરલ હોસ્પિટલના પૂર્વ ઇન્ચાર્જ વહીવટી અધિકારી તેમજ હાલમાં વલસાડ જિલ્લાના વાપી ખાતેની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીને આરોગ્ય કમિશનર દ્વારા બરતરફ કરવામાં આવ્યા હતા. તેમણે પોતાની ફરજ દરમ્યાન વાહન અકસ્માત સંબંધીો બિલની રકમ મેળવવા માટે ખાનગી હોસ્પિટલના નામનું બિલ બનાવવાના બદલે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરના નામનું બિલ બનાવીને તિજોરી કચેરીમાં રજૂ કર્યું હતું. તેથી તેમને બરતરફ કરાયા હતા. જેના પગલે આરોગ્ય કર્મચારીમાં ચકચાર શરુ થઈ છે.
થોડા સમય પહેલા વાપી ખાતે બદલી કરવામાં આવી હતી
વાપીની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા બલભદ્રસિંહ કે.જાડેજા અગાઉ ગાંધીધામની સરકારી હોસ્પિટલમાં હેડક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે તેમની પાસે ભુજની જનરલ હોસ્પિટલના વહીવટી અધિકારી તરીકેનો પણ ચાર્જ હતો. આ દરમ્યાન ગાંધીનગરથી આંતરિક તપાસણી એકમ દ્વારા તા૧૯-૧૦-૨૦૨૪ના નાણાકીય અને અન્ય બાબતોની ભૌતિક ચકાસણી કરવામાં આવી હતી, જેમાં બલભદ્રસિંહની ફરજ દરમ્યાન ભુજની જનરલ હોસ્પિટલમાં વાહન અકસ્માત યોજનાના બિલ નં.૧૯૯, તા.૨-૭-૨૦૨૪ અને બિલની કુલ રકમ રૂ.૧૯,૪૯,૪૧૦ની રકમના બિલ ખાનગી હોસ્પિટલના નામજોગ પાર્ટી ચેક બનાવવાના બદલે તેમણે બદઇરાદાથી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરના નામે ખોટી રીતે પાર્ટીચેકથી ઈ-પેમેન્ટ નાણાં મેળવવા માટે બિલ બનાવીને તિજોરી કચેરીમાં રજૂ કર્યું હોવાનું ધ્યાને આવ્યું હતું.
સરકારી ફરજમાં પ્રમાણિકતાનો અભાવ અને ગેરવર્તણૂંક
તપાસમાં ખૂબ ગંભીર બાબત ગણવામાં આવી હતી. આમ, બલભદ્રસિંહે ફરજમાં પ્રમાણિકતાનો અભાવ દર્શાવી, ફરજ પ્રત્યે નિષ્ઠાના અભાવવાળી કામગીરી કરવા ઉપરાંત સરકારી કર્મચારીઓને ન છાજે તેવું વર્તન કરીને ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો ૧૯૭૧ના નિયમ ૩(૧) ના પેટાખંડ(૧), (૨) અને (૩)નો ભંગ કર્યો છે. જેના માટે બલભદ્રસિંહ જવાબદાર હોવાનું ઠેરવાયું હતું.
તમામ ગુણદોષને તપાસીને બરતરફ કરવાનો હુકમ કરાયો
આરોગ્ય કમિશ્નર દ્વારા બલભદ્રસિંહને અપાયેલું આરોપનામું. તેમનું પ્રાથમિક બચાવનામું, ખાતાકીય તપાસના અધિકારીનો તપાસ અહેવાલ, આખરી બચાવનામું તથા રૂબરૂ સુનાવણી અને સમગ્ર કેસના ગુણદોષને ધ્યાને લઈને અંતે બલભદ્રસિંહ જાડેજાને ભવિષ્યમાં સરકારી નોકરી માટે સામાન્ય રીતે ગેરલાયક ઠરે તે રીતે નોકરીમાંથી બરતરફ કરવાનો હુકમ અધિક નિયામક દ્વારા કરાયો હતો.