કોંગ્રેસે ગુજરાતમાંથી રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકોમાંથી બે બેઠકો માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા અને મહિલા અગ્રણી અને પ્રવક્તા અમીબેન યાજ્ઞિકના નામની જાહેરાત કરી છે.કોંગ્રેસના આ બંને ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરશે.
મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં વર્ષ ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ બદલાયેલા સંખ્યાબળનું ગણિત રાજયસભાની ચાર બેઠક માટેની ચૂંટણીમાં મુશ્કેલીમાં મુકશે. રાજયસભાની ૫૮ બેઠકો માટે ૨૩ માર્ચના રોજ દેશભરમાં ચૂંટણી યોજાશે. ગુજરાતમાં ચાર બેઠકની ચૂંટણી યોજાશે. આ ચાર બેઠકમાંથી હાલમાં ચારે બેઠક ભાજપ પાસે છે. તેવા સમયે હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં મળેલી બેઠક બાદ બદલાયેલા ગણિત બાદ ભાજપ અને કોંગ્રેસ બંને બે – બે બેઠક જીતી શકે તેવી સ્થિતિ છે.
૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૧૧૫ બેઠક મળી હતી જે ઘટીને વર્ષ ૨૦૧૭માં ૯૯ જ રહી છે. જયારે કોંગ્રેસની બેઠકની સંખ્યા ૬૦થી વધીને ૭૭ થઈ છે.